મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતની ફરિયાદ પરથી મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં શાસક ત્રણમાંના એક પક્ષ, શિવસેનાના નેતા સંજય રાઉતને આદેશ આપ્યો છે કે તમે વિવાદાસ્પદ હરામખોર શબ્દ કોને ઉદ્દેશીને વાપર્યો હતો એ કોર્ટને જણાવો.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણની તપાસ મુદ્દે કંગના અને રાઉત વચ્ચે થોડાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર ખૂબ વાક્યુદ્ધ ચાલ્યું હતું. એ વખતે કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મુંબઈ શહેર વિરુદ્ધ વાંધાજનક વિધાનો કર્યા હતા. એને પગલે શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ કંગનાનાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત નિવાસસ્થાનમાં બનાવાયેલી ઓફિસ ગેરકાયદેસર છે એમ કહીને એ તોડી પાડી હતી.
પોતાની ઓફિસના તોડકામ વિરુદ્ધ કંગનાએ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એની સુનાવણી વખતે કંગનાનાં વકીલોએ ન્યાયાધીશને કહ્યું કે કંગનાએ સરકારની વિરુદ્ધમાં અમુક વિધાનો કર્યાં હતાં. એનાં એક ટ્વીટ ઉપર સંજય રાઉતે અત્યંત આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કંગનાને પાઠ ભણાવવો જોઈએ એમ પણ કહ્યું હતું. કંગનાનાં વકીલે ત્યારે એમ પણ કહ્યું કે સંજય રાઉતે ‘હરામખોર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. વકીલે એ દર્શાવતો ઓડિયો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જે સંજય રાઉતનો હિન્દી ઈન્ટરવ્યૂનો ઓડિયો હતો.
એની સામેની દલીલમાં રાઉતના વકીલે રાઉતના બચાવમાં કહ્યું કે ઓડિયોમાં મારા અસીલે અરજદાર (કંગના)નું નામ ઉચ્ચાર્યું નહોતું.
એ સાંભળીને ન્યાયામૂર્તિઓ એસ.જે. કાથાવાલા અને આર.આઈ. ચાગલાએ કહ્યું કે ‘હરામખોર’ શબ્દ તમારા અસીલે કંગના માટે વાપર્યો નહોતો એવું જો તમે કહેતા હો તો અમે એને રેકોર્ડ પર લઈશું. શું તમારું નિવેદન રેકોર્ડ પર લઈએ? ત્યારે રાઉતના વકીલે કહ્યું કે આ માટે આવતીકાલે સોગંદનામું રજૂ કરીશું.
કંગનાની ઓફિસમાં તોડકામ વિશે કોર્ટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં તોડકામની કાર્યવાહી કરાઈ નથી તો આ કેસમાં તમે આટલી ઉતાવળ શા માટે કરી? જો બીએમસી આટલી ઝડપ દરેક કિસ્સામાં બતાવતી રહી હોત તો મુંબઈ શહેર રહેવા માટે આજે વધારે સારું બની ગયું હોત.