મુંબઈમાં ‘બેસ્ટ’ના કાફલામાં વધુ 40 ઈલેક્ટ્રિક બસનો ઉમેરો થશે; પર્યાવરણનું રક્ષણ થશે

મુંબઈઃ મહાનગરના નિવાસીઓ, કામ-ધંધો કરનારા તેમજ પર્યટકો માટે રાહત-આનંદના સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ‘બેસ્ટ’ વહીવટીતંત્રના સિટી બસ કાફલામાં ટૂંક સમયમાં જ વધુ 40 ઈલેક્ટ્રિક બસનો ઉમેરો થવાનો છે. મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય એ માટે આ ઈલેક્ટ્રિક બસોને સેવામાં ઉતારવામાં આવશે.

મુંબઈગરાઓના પર્યાવરણ-રક્ષિત પ્રવાસ માટે ઈલેક્ટ્રિક બસો ઘણી સહાયરૂપ છે. આ માટે જ કેન્દ્ર સરકારે ‘ફેમ’ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વેહિકલ્સ) યોજના અંતર્ગત વિવિધ રાજ્યોમાં ઈલેક્ટ્રિક બસ માટે વિશેષ ભંડોળ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. તે જ નિર્ણયના ભાગરૂપે કેન્દ્ર સરકારે મુંબઈ માટે વધુ 40 ઈલેક્ટ્રિક બસો ફાળવી છે.

બેસ્ટના કાફલામાં ‘ફેમ’ અંતર્ગત આશરે 300 ઈલેક્ટ્રિક બસ સામેલ થવાની છે.

કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર રાજ્યમાં બેસ્ટ કંપનીને, એસ.ટી. તથા નવી મુંબઈ પરિવહન સેવા માટે, ગોવા, ગુજરાતમાં રાજકોટ અને સુરત શહેરોમાં અને ચંડીગઢમાં – એમ બધું મળી 670 ઈલેક્ટ્રિક બસો પૂરી પાડવાની છે.

આ ઈલેક્ટ્રિક બસોની ખરીદી કરવા માટે કેન્દ્ર સરકાર જે તે રાજ્ય સરકારને સબસિડી આપે છે.

મુંબઈમાં બેસ્ટના કાફલામાં કુલ 3,500 બસો છે. આમાં બેસ્ટ કંપનીની પોતાની 6 ઈલેક્ટ્રિક બસોનો પણ સમાવેશ થાય છે. હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મળનારી 40 અને સમય જતાં કુલ 300 ઈલેક્ટ્રિક બસોનો ઉમેરો થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]