મહારાષ્ટ્રમાં ધાર્મિકસ્થળો બંધ રાખવાના મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટનો ઈનકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ધાર્મિકસ્થળોને બંધ રાખવાના રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે.

આમ, જ્યાં સુધી કોરોનાનો પ્રકોપ હશે ત્યાં સુધી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવામાં નહીં આવે એ હવે પાકું થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનને તબક્કાવાર દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેથી ઉચિત નિયમોનું પાલન કરીને ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી એસોસિએશન ઓફ એડિંગ જસ્ટિસ નામની એક NGO દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે કોર્ટમાં એવી દલીલ કરી છે કે અમુક નિયંત્રણો સાથે ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે જનતા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ)ના નિયમોનું બરાબર રીતે પાલન કરશે. હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન એ જોવામાં આવ્યું હતું તેમજ શાકભાજી તથા ફૂલ બજારમાં પણ સુરક્ષાને લગતા નિયમો નેવે મૂકી દેવાયા હતા. આ અનુભવને આધારે સરકાર માટે રાજ્યમાં ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાનું સંભવ નથી અને જ્યાં સુધી કોરોનાની સ્થિતિ એકદમ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી એ ફરી ખોલવા દેવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાના કેસ હજી પણ વધી જ રહ્યા છે.

આ દલીલ બાદ મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેન્ચે રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું કે આ નિર્ણય સરકારને જ લેવા દો.