ભારત સરકારને આંચકોઃ વોડાફોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ટેક્સ કેસ જીત્યો

હેગ (નેધરલેન્ડ્સ): બ્રિટનસ્થિત વોડાફોન કંપનીએ પાછલી તારીખથી રૂ. 20 હજાર કરોડથી વધુની રકમની કરવસૂલી વિરુદ્ધ ભારત સરકાર સામે કરેલો કેસ જીતી લીધો છે.

અહેવાલો અનુસાર, હેગ શહેરમાં આવેલી પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને ચુકાદો આપ્યો છે કે ભારતના આવકવેરા વિભાગનું પગલું ઉચિત અને સમાન વ્યવહારની વિરુદ્ધનું છે. તદુપરાંત, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના વ્યાપાર કરારની પણ વિરુદ્ધ છે. લવાદ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભારત સરકાર હવે વોડાફોન પાસે ટેક્સની રકમ વસૂલ નહીં કરે તેમજ ભારત સરકારે વોડાફોનને કાનૂની ખર્ચ માટે આંશિક વળતર પેટે 54.7 લાખ ડોલર (લગભગ રૂ. 40 કરોડ) ચૂકવવા પડશે.

બ્રિટિશ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની વોડાફોને 2007માં હોંગકોંગના હચિસન ગ્રુપના માલિક હચિસન હામપોઆના ભારતમાંના મોબાઈલ બિઝનેસ હચિસન-એસ્સારમાં 67 ટકા હિસ્સો 11 અબજ ડલરમાં ખરીદ્યો હતો. વોડાફોને તે હિસ્સો નેધરલેન્ડ્સ અને કેમેન આઈલેન્ડસ્થિત પોતાની કંપનીઓ મારફત ખરીદ્યો હતો.

તે સોદા પર ભારતનો આવકવેરા વિભાગ વોડાફોન પાસે કેપિટલ ગેન ટેક્સ માગે છે.

આ કેસ રેટ્રોસ્પેક્ટિવ (પાછલી તારીખથી લાગુ થાય એ રીતે) કરવસુલીનો છે. વોડાફોન અને ભારત સરકાર વચ્ચે કોઈ સમાધાન ન થતાં 2016માં વોડાફોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કર્યો હતો.

એ પહેલાં વોડાફોને ભારતની સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. 2007માં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સોદો ટેક્સના દાયરામાં ન હોવાથી હવે એની પર ટેક્સ લગાવી શકાય નહીં. જોકે ભારત સરકારે ફાઈનાન્સ એક્ટ, 2012 અંતર્ગત રેટ્રોસ્પેક્ટિવ મુદતથી ટેક્સ લાદ્યો હતો. એટલે કે સરકારે 2012માં એ કાયદો બનાવ્યો કે 2007માં વોડાફોન અને હચિસનનો સોદો કરપાત્ર બન્યો.

વોડાફોને 2013ના જાન્યુઆરીમાં કહ્યું હતું કે એની પાસે રૂ. 14,200 કરોડનો ટેક્સ માગવામાં આવ્યો છે. એમાં મુખ્ય રકમ અને વ્યાજનો સમાવેશ હતો, પણ કોઈ પેનલ્ટી જોડવામાં આવી નહોતી. એણે 2014માં નિર્ણયને પડકાર્યો હતો. 2016ના ફેબ્રુઆરીમાં વોડાફોનને આવકવેરા વિભાગ તરફથી રૂ. 22,100 કરોડનો ટેક્સ ચૂકવવાની નોટિસ મોકલવામાં આવી હતી. સાથોસાથ, એવી ધમકી અપાઈ હતી કે જો એ ટેક્સ નહીં ચૂકવે તો એની ભારતમાંની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.