મુંબઈ હાઈકોર્ટે રાણાદંપતીની અરજી ફગાવી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અત્રેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એમની સામેની બીજી પોલીસ એફઆઈઆર ફરિયાદ રદ કરવા માટે નોંધાવેલી પીટિશનને મુંબઈ હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે.

હાઈકોર્ટે તેમ છતાં મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે રાણા દંપતી સામે બીજી એફઆઈઆરના સંદર્ભમાં જો તે કોઈ પગલું ભરવા માગતી હોય તો એણે દંપતીને 72 કલાકની નોટિસ આપવી. મુંબઈ પોલીસે ધરપકડ સામે પ્રતિકાર કરવા બદલ રાણા દંપતી સામે બીજી એફઆઈઆર નોંધી છે.

રાણા દંપતીને બાન્દ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધાં છે. નવનીતકૌરને મુંબઈમાં આર્થર રોડ જેલમાં મહિલા જેલમાં રાખવામાં આવ્યાં છે જ્યારે એમનાં પતિ રવિને નવી મુંબઈના તળોજાસ્થિત જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.