હનુમાન ચાલીસા વિવાદઃ રાણાદંપતી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરનાર મહારાષ્ટ્રના અમરાવતીનાં મહિલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં વિધાનસભ્ય પતિ રવિ રાણાની ગઈ કાલે સાંજે ધરપકડ કરાયા બાદ આજે સવારે મુંબઈ પોલીસે એમને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યાં હતાં. બાન્દ્રા ઉપનગરસ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની હોલીડે અને રવિવાર કોર્ટે પતિ-પત્નીને 14 દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટનો નિર્ણય મુંબઈ પોલીસ માટે ફટકા સમાન છે. કોર્ટે રાણા દંપતીને પોલીસ કસ્ટડીમાં નહીં, પરંતુ જેલમાં (અદાલતી કસ્ટડીમાં) મોકલી આપ્યા છે. મતલબ કે રાણા દંપતી જામીન માટે અરજી કરી શકશે.

મુંબઈ પોલીસે નવનીત અને રવિ રાણા સામે બોમ્બે પોલીસ કાયદાની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ખાર ઉપનગરના પોલીસ સ્ટેશન દ્વારા આ કેસમાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. શનિવારે માતોશ્રી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની રાણા દંપતીને પોલીસે પરવાનગી આપી નહોતી. પોલીસે તે માટે એવું કારણ આપ્યું હતું કે તેમને એવી પરવાનગી આપવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે. શનિવારે સવારથી જ માતોશ્રીની બહાર સેંકડો શિવસૈનિકો એકત્ર થઈ ગયા હતા અને તેઓ રાણા દંપતીને પાઠ ભણાવવા માટે મક્કમ હતા. આખરે રાણા દંપતીએ હનુમાન ચાલીસા ગાવાનો એમનો નિર્ણય-કાર્યક્રમ પડતો મૂક્યો હતો, પરંતુ પોલીસે એમની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે રાણા દંપતી સામે શાસનને પડકારવા તથા મુખ્ય પ્રધાન વિરુદ્ધ અપશબ્દ બોલવા બદલ રાજદ્રોહનો ગુનો નોંધ્યો છે. આ ગુના અંતર્ગત દસ કલમ લગાડવામાં આવી છે. દંપતીને નોટિસ પણ આપવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં 29 એપ્રિલે સુનાવણી કરવાનો નક્કી કર્યું છે. કોર્ટે રાજ્ય સરકારને 27 એપ્રિલ સુધીમાં પોતાની રજૂઆત કરવાનો આદેશ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]