મોદીએ જમ્મુ-કશ્મીરમાં વિકાસની ગતિને તેજ બનાવી

જમ્મુઃ પોતાની સરકારે જમ્મુ અને કશ્મીરનો વિશેષ દરજ્જો તેમજ રાજ્ય તરીકેનો દરજ્જો દૂર કરી એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કર્યો તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહેલી વાર જમ્મુ-કશ્મીરની મુલાકાત લીધી. પ્રદેશમાં એમણે કુલ રૂ. 20 હજાર કરોડની કિંમતની વિકાસયોજનાઓમાંની કેટલીકનું આજે લોકાર્પણ કર્યું અને કેટલીકનું ખાતમુહૂર્ત કર્યું.

દેશ આજે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરી રહ્યો છે તેવા પ્રસંગે મોદીએ જમ્મુના સામ્બા જિલ્લામાંથી દેશભરમાં ગ્રામ સભાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે જમ્મુ અને કશ્મીરમાં વિકાસની ગતિ વધારવા માટે પોતે અહીં આવ્યા છે. લોકશાહી હોય કે વિકાસ હોય, આજે જમ્મુ અને કશ્મીર પ્રદેશ દેશ માટે એક નવું દ્રષ્ટાંત બની ગયો છે. અહીં છેલ્લા બે-ત્રણ વર્ષમાં વિકાસના નવા નિયમન-વ્યવસ્થાપન રચવામાં આવ્યા છે. ઘણા ખાનગી ઈન્વેસ્ટરોએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં તેમના પ્રોજેક્ટ નાખવા માટે રસ બતાવ્યો છે. વિકાસના આ પગલાંથી જમ્મુ-કશ્મીરના યુવાઓ માટે રોજગારની નવી તકોનું સર્જન થશે.