ટીમ-ઈન્ડિયામાં કમબેક પર મારું-ફોકસ નથીઃ હાર્દિક પંડ્યા

મુંબઈઃ આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ ટીમ હાલ તેની સાતમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેણે ગઈ કાલે નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8-રનથી પરાજય આપ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાના 67 રનના યોગદાનની મદદથી ગુજરાત ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કર્યા હતા. તેના જવાબમાં, કોલકાતા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 148 રન કરી શકી હતી. ગુજરાતના સ્પિનર રશીદ ખાને બે વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે પોતે હાલ માત્ર આઈપીએલ સ્પર્ધા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાષ્ટ્રીય ટીમમાં પુનઃ પ્રવેશ મેળવવાનો વિચાર સુદ્ધાં કરતો નથી. હાર્દિક 2021માં દુબઈમાં રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં નામિબીયા સામેની મેચ પછી પીઠના દુખાવા અને સર્જરીને કારણે રાષ્ટ્રીય ટીમ વતી એકેય મેચ રમ્યો નથી.