લક્ઝમબર્ગઃ વેનેઝુએલાની સ્થિતિ અંગે ભારતે પ્રથમ વખત મજબૂતી સાથે નિવેદન આપ્યું છે. યુરોપની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે લક્ઝમબર્ગમાં કહ્યું હતું કે વેનેઝુએલામાં તાજેતરમાં જે કંઈ બન્યું છે તે અંગે ભારત ચિંતિત છે. અમે તમામ પક્ષોને સાથે બેસીને સંવાદ કરવા અને વેનેઝુએલાની જનતાની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા અપીલ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
વેનેઝુએલા સાથે ભારતના સારા સંબંધો
વેનેઝુએલા સાથે ભારતના ખૂબ સારા સંબંધો રહ્યા છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે ત્યાંના લોકોને કોઈ મુશ્કેલી ન પડે, એમ તેમણે કહ્યું હતું. વિદેશ મંત્રીએ આ નિવેદન લક્ઝમબર્ગના ડેપ્યુટી વડા પ્રધાન તથા વિદેશ મંત્રી ઝેવિયર બેટેલ સાથે થયેલી બેઠક બાદ આપ્યું હતું. આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી હતી.
VIDEO | Luxembourg: “India concerned about recent developments; urge all parties to prioritise well-being and safety of people,” says External Affairs Minister S Jaishankar (@DrSJaishankar) on Venezuela crisis.#Venezuela
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/tWu5WThSwb
— Press Trust of India (@PTI_News) January 7, 2026
લક્ઝમબર્ગ ભારત માટે મહત્વપૂર્ણ ભાગીદાર
ભારત લક્ઝમબર્ગને એક ખૂબ મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે અને બંને દેશો ફિનટેક, અંતરિક્ષ અને AI સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સહયોગ વધારી શકે છે, એમ તેમણે કહ્યું હતું. ફ્રાંસ અને લક્ઝમબર્ગની છ દિવસીય યાત્રા પર આવેલા જયશંકરે લક્ઝમબર્ગના વડા પ્રધાન લ્યુક ફ્રીડન સાથે નાણાં, મૂડીરોકાણ અને ટેકનોલોજી સહિતનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષી સહયોગને વધારવા અંગે તેમણે ચર્ચા કરી હતી.
ફિનટેક, અંતરિક્ષ અને ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ
વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો ઉપરાંત નવી દિલ્હી અને લક્ઝમબર્ગ ફિનટેક, અંતરિક્ષ, ડિજિટલ વિશ્વ અને AI જેવા અનેક રસપ્રદ ક્ષેત્રોમાં વધુ સહયોગ કરી શકે છે. વડા પ્રધાન ફ્રીડન સાથેની મુલાકાત દરમિયાન જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ નાણાકીય સેવાઓ, રોકાણ, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે વધતા સહયોગ અંગે ચર્ચા કરી.




