મુંબઈનો-ટ્રાફિક, પોલીસ-બંદોબસ્તઃ પ્રતિક ગાંધીને થયો કડવો અનુભવ

મુંબઈઃ મેટ્રો રેલવેની લાઈન નાખવાનું બાંધકામ ચાલુ હોવાને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (મુંબઈ-અમદાવાદ હાઈવે) પર ટ્રાફિક સમસ્યાથી સૌ કોઈ પરેશાન છે. દક્ષિણ મુંબઈથી બોરીવલી કે એનાથી આગળ જવું હોય તો વાહનચાલકોને ત્રણ-ત્રણ કલાકનો સમય લાગી જાય છે. એમાંય જો કોઈ રાજકીય મહાનુભાવનો કાફલો પસાર થવાનો હોય ત્યારે હાલત વધારે કફોડી થઈ જાય છે. ગયા રવિવારે રાતે અભિનેતા પ્રતિક ગાંધીને પણ કડવો અનુભવ થઈ ગયો હતો.

‘સ્કેમ 1992’ વેબસીરિઝથી જાણીતા થયેલા પ્રતિકનો આક્ષેપ છે કે ગયા રવિવારે તે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો ત્યારે પોલીસે એની સાથે ગેરવર્તાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એ સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવી રહ્યા હતા. તેઓ કિંગ સર્કલ (સાયન)સ્થિત ષણ્મુખાનંદ હોલમાં આયોજિત કાર્યક્રમમાં લતા મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. એને કારણે હાઈવે ટ્રાફિક નિયમનો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા હતા. પ્રતિકે પોતાના અનુભવ બાદ ટ્વિટર પર લખ્યું હતું, ‘વીઆઈપી પસાર થવાના હોવાને કારણે મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જામ થઈ ગયો છે. મેં શૂટિંગના સ્થળે પહોંચવા માટે રસ્તા પર ચાલતા જવાનું શરૂ કર્યું હતું. પણ પોલીસે મને કોલરથી પકડ્યો હતો અને કોઈ પૂછપરછ કર્યા વિના મને રસ્તાની બાજુ પરના માર્બલ વેરહાઉસમાં ધક્કો મારી દીધો હતો. અપમાનિત કરી દીધો.’

પ્રતિકના આક્ષેપ બાદ મુંબઈ ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જ્યારે કોઈ વીઆઈપી પસાર થવાના હોય છે ત્યારે તમામ રસ્તાઓ પર નિયમનોનું અમારે પાલન કરવું જ પડે છે. પોલીસે અપમાનિત કર્યાના પ્રતિક ગાંધીના આક્ષેપના સંદર્ભમાં તે અધિકારીએ કહ્યું કે, ટ્વીટમાં શેર કરેલી માહિતી અધૂરી છે. તે વખતે બંદોબસ્તમાં ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસો પણ સામેલ થયા હતા. તે ઘટનામાં કયા અધિકારી સંડોવાયેલા હતા એ વિશે તેમજ બનાવના લોકેશન વિશે એમણે (પ્રતિક ગાંધીએ) ચોક્કસપણે જણાવ્યું નથી. જ્યાં સુધી વીઆઈપી અવરજવરનો સંબંધ છે, તો અમારે સલામતીના નિયમોનું કડક રીતે પાલન કરવું જ પડે છે. એ વખતે રસ્તાની બંને બાજુએ થોડોક સમય માટે ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે. એ કાર્યવાહી દસેક મિનિટ સુધી રહે છે અને 20 મિનિટથી વધારે રહેતી નથી. હાઈવે પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 33 પ્રોજેક્ટ પર કામકાજ ચાલી રહ્યું છે.