PM મોદીને CM ઠાકરેનો વળતો જવાબ

મુંબઈઃ સવારે, મુખ્ય પ્રધાનો સાથે ઓનલાઈન બેઠકમાં ઈંધણ ઉપર વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં કાપ ન મૂકવા બદલ મહારાષ્ટ્ર સહિત બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને ટકોર કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાંજે વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.

ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારને રાજ્યોમાંથી મળતા કુલ સીધા કરવેરામાં મહારાષ્ટ્રનો હિસ્સો 38.3 ટકા છે. મહારાષ્ટ્ર 15 ટકા જીએસટી એકત્ર કરે છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. સીધા કરવેરા અને જીએસટીને ભેગા કરો તો કેન્દ્ર સરકારને આવક કરાવવામાં મહારાષ્ટ્ર દેશનું નંબર-1 રાજ્ય છે. તે છતાં કેન્દ્ર સરકારે હજી સુધી મહારાષ્ટ્રને જીએસટી વળતર પેટે રૂ. 26,500 કરોડ ચૂકવ્યા નથી. દેશ સમક્ષના આર્થિક પડકારોને પહોંચી વળવામાં મહારાષ્ટ્રએ તેની જવાબદારી બરાબર નિભાવી બતાવી છે. રાજ્ય સરકાર વાહનો માટેના ઈંધણ પરનો VAT ઓછો નહીં કરે, પરંતુ તેણે કુદરતી ગેસ પરનો VAT ક્યારનો ઘટાડી દીધો છે. મુંબઈમાં એક લિટર ડિઝલની કિંમતમાં, રૂ.24.38 કેન્દ્રીય કર છે જ્યારે રૂ.22.37 રાજ્યકર છે. પેટ્રોલની કિંમતમાં, કેન્દ્રીય કર રૂ.31.58 છે જ્યારે રાજ્યકર રૂ.32.55 છે. આમ, રાજ્ય સરકારને કારણે પેટ્રોલ, ડિઝલ વધારે મોંઘું છે એ કહેવું સાચું નથી. વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં કેન્દ્ર સરકાર બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ઓરમાયો વ્યવહાર કરે છે. તૌકતે વાવાઝોડા વખતે નુકસાન થયા બાદ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને વધારે આર્થિક મદદ કરી હતી. કેન્દ્રીય NDRF મદદ અંગે પણ ભાજપશાસિત અને બિન-ભાજપશાસિત રાજ્યો સાથે કેન્દ્ર સરકારના ધારાધોરણ અલગ અલગ પ્રકારના હોય છે.