મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જેલમાં કાઉન્સેલિંગ દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓને એવી ખાતરી આપી હોવાનું કહેવાય છે કે તે ભવિષ્યમાં ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને પોતાનું નામ બદનામ થાય એવું ક્યારેય કંઈ નહીં કરે. એક અહેવાલ મુજબ, એનસીબીના એક અધિકારી કહ્યું કે આર્યને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે તથા સામાજિક કાર્યકરો દ્વારા કરાયેલા તેના કાઉન્સેલિંગ વખતે એમને કહ્યું હતું કે એ જેલમાંથી છૂટ્યા બાદ એ સમાજના ગરીબો તથા વંચિત લોકોના સામાજિક કલ્યાણ અને મદદ કરવાનું કામ કરશે અને ખોટા કારણોસર પોતાનું નામ બદનામ થાય એવું કંઈ નહીં કરે.
23 વર્ષના આર્યનને હાલ દક્ષિણ મુંબઈની આર્થર રોડ સ્થિત મુંબઈ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. સ્થાનિક કોર્ટ આર્યનની જામીન અરજી પર 20 ઓક્ટોબરે નિર્ણય લેવાની છે. ગઈ બીજી ઓક્ટોબરે મુંબઈના સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી જહાજ પર ચાલતી પાર્ટી પર એનસીબીના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં આર્યન પણ હાજર હતો. એની તલાશી લેવાતા એની પાસેથી 13 ગ્રામ ચરસ મળી આવ્યું હોવાનું કહેવાય છે. એને પગલે એને અટકમાં લેવામાં આવ્યો હતો અને બીજા દિવસે પૂછપરછને પગલે એની ધરપકડ કરાઈ હતી. ત્યારથી એ કસ્ટડીમાં છે.
