મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ જ વધી ગયા છે અને રોગચાળાની ચેનને તોડવા માટે રાજ્ય સરકાર લોકડાઉન લાગુ કરવાની વિચારણા હેઠળ છે ત્યારે મુંબઈવાસીઓમાં ગભરાટ ફેલાયો છે અને વીક-એન્ડ લોકડાઉન પૂરું થયા બાદ ગઈ કાલે, સોમવારે શહેરમાં લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી-સંગ્રહ કરી લેવા માટે ઠેરઠેર ઉમટી પડ્યા હતા. બપોરથી અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઈન જોવા મળી હતી.
શુક્રવાર રાતે 8થી સોમવારે સવારે 7 સુધીના વીક-એન્ડ લોકડાઉનમાં બધું જ બંધ રહ્યું હતું. તેથી સોમવારે સવારે 8 વાગ્યાથી દુકાનો ખુલી એ સાથે જ લોકોએ ચીજવસ્તુઓની ખરીદી કરવા ધસારો કર્યો હતો. માત્ર સૂકો નાસ્તો અને ખાદ્યચીજો જ નહીં, પરંતુ કઠોળ, ઘઊં-ચોખા, દાળ, ઈંડા જેવી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયા બાદ બે અઠવાડિયામાં બધું ફરી ખુલ્લું થઈ જશે, તે છતાં અમુક ગૃહિણીને એવો ડર છે કે બે અઠવાડિયા પછી દુકાનો-સ્ટોર્સમાં સ્ટોક પૂરતો હશે એની તેમને કોઈ ખાતરી નથી. દુકાનદારો અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સના કર્મચારીઓને પણ ડર છે કે જો સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે તો ગયા વર્ષના લોકડાઉનની જેમ આ વખતે પણ ચીજવસ્તુઓની સપ્લાયને માઠી અસર પડશે.