અમદાવાદ: શહેરના બજારોમાં હોળી ધૂળેટીના તહેવારને ઉજવવાની અવનવી સામગ્રીનું દરેક વિસ્તારોમાં ભરપૂર વેચાણ થઇ રહ્યું છે. પૂર્વ, પશ્ચિમ અમદાવાદમાં અને શહેરની મધ્યમાં જે જૂના હોલસેલ બજારમાં આધુનિક, નવી વેરાઇટી મળી રહી છે.
આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે. આ સાથે સીલિન્ડર કલર્સ અને ઈલેક્ટ્રીક પીચકારીની ધૂમ છે. પણ સતત વધતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યા છે. 
વેપારી વાસુભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે ફાયરમાં એટલે કે આગ ઓલવવામાં વપરાતા સિલિન્ડર જેવા આકારમાં રંગોની માંગ વધી છે. વિવિધ રંગોથી ભરેલા સિલિન્ડર બે કિલો, ચાર કિલો, છ કિલોમાં ઉપલબ્ધ છે. સિલિન્ડરની પીન ખોલી દેતાં એક સાથે જ તમામ કલર ઠલવાઈ જાય છે.

શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, જાણીતા ક્રિકેટરોના સ્ટીકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઇ છે. રૂપિયા 50થી માંડી 1500 સુધીની પીચકારીઓ બાળકોના મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે.
વિવિધ રંગોના પેકેટ- ડબ્બા , પ્રાકૃતિક રંગોના પેકેટ, હીરાકણીની ડબ્બીઓ અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતાં ‘કલરફૂલ’ ફટાકડાની આઈટમ તેમજ બંદૂકમાંથી નીકળતા કલર, સ્પ્રે આ વર્ષે પણ બજારમાં અવનવા સ્વરૂપે આવી ગયા છે. સ્પ્રે કલર, સિલિન્ડર કલર્સ , ઇલેક્ટ્રિક પિચકારીઓ, ફૂગ્ગા સાથે રંગ રસિયાઓને મોજ કરાવશે.
તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં વેપારીઓ કહે છે. આ વર્ષે બજારમાં ઈલેક્ટ્રિક પીચકારી વધુ ચલણમાં છે. જે ચાર્જિગ કરી વાપરી શકાય છે. ઈલેક્ટ્રિક પીચકારી પાંચસોથી બે હજાર પાંચસો સુધીની રેન્જમાં મળી રહી છે.
વેપારીઓના મંડપ, લારીઓ છે. આ સાથે શહેરના જુદા-જુદા બજારમાં ધાણી, મમરા, ખજૂર અને રંગબેરંગી હારડા જેવી હોળીની ખાદ્ય સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




