મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી છે. શહેરમાં કોવિડ રસી ડોઝ ખૂટી રહ્યાં છે. એને કારણે 71 રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવાની ફરજ પડી છે. આમાંનું એક છે, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતેનું જમ્બો રસીકરણ કેન્દ્ર. આ કેન્દ્રને બંધ કરી દેવાતાં તેની બહાર લોકોમાં વિરોધ દર્શાવતા જોવા મળ્યા હતા. કેન્દ્રના ડીન રાજેશ ડેરેએ કહ્યું કે પહેલા જ દિવસથી અમને કેન્દ્ર સરકાર તરફથી દરરોજ આવશ્યક્તા કરતાં વધારે ડોઝ મળતા હતા, પરંતુ ગઈ કાલે રાતે રસીનો નવો સ્ટોક આવ્યો નહોતો. હવે અમારી પાસે માત્ર 160 ડોઝ જ બચ્યા છે.
દહિસર (પૂર્વ)માં મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેકનાકા નજીક આવેલા દહિસર જમ્બો કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે પણ વહેલી સવારથી રસીકરણ માટે પોતાનું નામ નોંધાવનારાઓની લાંબી લાઈન જોવા મળી હતી. મુંબઈમાં રસીકરણ માટે 120 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. એમાંના 71માં રસીનો સ્ટોક ખૂટી ગયો છે. 49 કેન્દ્રોનું સંચાલન મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરાય છે. એ પ્રત્યેક ખાતે દરરોજ 40 હજારથી લઈને 50 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવે છે.