વર્તમાન સમયમાં ડાયેટની ચર્ચા થાય તો ખયાલ આવે છે કે અત્યારે મૉડર્ન ઈટિંગના નામે કેટલાય પ્રકારના ડાયેટ ક્યારેક
ન્યુટ્રિશનિસ્ટ દ્વારા, ક્યારેક ડૉક્ટર્સ દ્વારા તો ક્યારેક ગૂગલના આધારે અવનવાં નામે અનુસરવામાં આવે છે. વેસ્ટર્ન ડાયેટના નામે ઘણી વખતે વધુપડતાં પ્રોસેસ્ડ ફૂડ, રિફાઈન્ડ શુગર કે પછી સૅચ્યુરેટેડ ફૅટ્સ ધરાવતાં ખાદ્યો પણ લેવાય છે, જેમાં ઍનિમલ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. જરૂર હોય કે ન હોય, કૅલરીને નિયંત્રિત કરવા માટે ક્યારેક પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
આ પ્રકારે અનુસરવામાં આવતી ડાયેટ પૅટર્ન ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક પણ બની શકે છે. અગર તમે કોઈ નવી ડાયેટરી પૅટર્ન શરૂ કરી રહ્યા છો એટલે કે તમારા રોજિંદા આહારને બદલે ખાદ્યોમાં ફેરફાર કરી રહ્યા છો તો આવો ફેરફાર તમારા શરીરને અનુકૂળ હશે કે નહીં એ જાણવું જરૂરી છે. આ ઉપરાંત, આવા પ્રકારના નવીનીકરણથી તમને કઈ રીતે ફાયદો થઈ શકે એનું વૈજ્ઞાનિક કારણ પણ ચોક્કસ તપાસવું જોઈએ. આ ફેરફાર આહારશાસ્ત્રી, ડાયેટિશિયન કે અન્ય તજ્જ્ઞ દ્વારા થવા જોઈએ, જેથી તમારી આદતોને અનુકૂળ તેમ જ તમારા સ્વાસ્થ્યનું નિદાન થયા પછી એને અનુરૂપ આહારની પૅટર્ન નક્કી કરે. ઑનલાઈન કે પછી તમારા મિત્રો દ્વારા કે પડોશી દ્વારા અપાયેલી સલાહ, જે અગર તથ્ય વગરની છે તો એને અનુસરવાથી તમને આહારથી જે ફાયદા મળવા જોઈએ એ નહીં મળી શકે.

અત્યારે જે મુખ્યત્વે પ્રચલિત આહારકીય સ્વરૂપો (ડાયેટ પૅટર્ન) છે એના દ્વારા હૃદયને લગતા રોગો તેમ જ ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવા માટે મદદ મળી શકે છે. આ ઉપરાંત, વજન ઘટાડવામાં પણ આ પ્રકારનો આહાર અસરકારક રહેશે. આ પ્રકારના ડાયેટમાં મેડિટેરનન ડાયેટ હમણાં વધુ પ્રચલિત છે. આ આહારપદ્ધતિ હૃદયને હેલ્થી રાખવામાં અસરકારક છે. એમાં શાકાહારી ખાદ્યોનાં અલગ અલગ સ્વરૂપના વિકલ્પ છે, જે આપણી સ્થાનિક રાંધણકળાના નમૂનારૂપ છે. સ્વાસ્થ્ય જાળવણીમાં એનું ખાસ્સું મહત્ત્વ છે, જે અત્યારનાં પરદેશી ખાદ્યોની સરખામણીમાં તદ્દન અલગ પડે છે.
ગુજરાતી વાનગીઓની વાત કરીએ તો ખમણ, ઢોકળાં, પાત્રાં, મૂઠિયાં, વગેરે ટ્રેડિશનલ ગુજરાતી વાનગી અને એમની રાંધણકળા કે જેના દ્વારા હાર્ટ તેમ જ ડાયાબિટીસ જેવા રોગોમાં પણ સકારાત્મક અસર કરે છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત, મેડિટેરનન ડાયેટમાં ફ્રૂટ્સ, સૅલડ, આખાં અનાજ, ધાન્યો, નટ્સ, બીન્સ, ડેરી પ્રોડક્ટ્સ અને નૉન-વેજ પ્રોડક્ટ્સમાં દરિયાઈ ખાદ્યો તેમ જ પોલ્ટ્રીનો સમાવેશ થાય છે.
રિફાઈન્ડ અનાજ, જેવા કે મેંદામાંથી બનતી પ્રોડક્ટ્સની જગ્યાએ જેમાં ફાઈબર્સની માત્રા વધુ હોય એવાં અનાજને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખાંડયુક્ત પીણાંની જગ્યાએ લીંબુપાણી કે નાળિયેરપાણીનો સમાવેશ કરવામાં આવે છે. ફાસ્ટ ફૂડ કે રેડી ટુ ઈટ તેમ જ પ્રિઝર્વ્ડ ફૂડનો ઉપયોગ બંધ કરાય છે. આ બધાં નિયંત્રણ સાથે શરૂ કરાવવામાં આવેલો ડાયેટ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં અસરકારક રહે છે, પરંતુ આ પ્રકારનો આહાર ડાયેટિશિયન કે આહારશાસ્ત્રીને પૂછીને જ શરૂ કરવો જરૂરી છે. તમારા બીજા બધા રિપોર્ટ્સના આધારે જ કોઈ નવો ડાયેટ પ્લાન કે પૅટર્ન શરૂ કરી શકાય.

આ જ રીતે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ એક ટાઈપના ડાયેટનો પ્રકાર છે, જે સમયની સાઈકલ પ્રમાણે આહાર લેવાનું સૂચવે છે. આ ડાયેટ પ્લાનમાં ભૂખ્યા રહેવું અને ખાવું એ બન્ને સમયના આધારે નક્કી થાય છે. આહારના આ પ્રકારમાં તમે શું ખાઈ રહ્યા છો એ એટલું મહત્ત્વનું નથી જેટલું તમે કયા સમયે અથવા કેટલા કલાકના અંતરે ખાઈ રહ્યા છો એ છે. આ પ્રકારનો ડાયેટ ઈન્સ્યુલિનની મદદથી શુગરને ઘટાડવાનું કાર્ય કરવામાં મદદ કરી શકે છે અને મેટાબોલિઝમ વધારીને ફૅટ બાળવામાં પણ સહાયક બની શકે છે. આ પ્રકારના ડાયેટમાં સામાન્ય રીતે 16/8 એટલે કે 16 કલાક ભૂખ્યા રહેવું અને 8 કલાક દરમિયાન આહાર લેવો અથવા તો ૫:૨ એટલે કે અઠવાડિયાના મુખ્ય પાંચ દિવસોમાં બે દિવસ ઉપવાસ કે પછી એક ટાઈમ આહાર લેવો એ બે પ્રકારે અનુસરવામાં આવે છે. વજન ઘટાડવા તથા મેટાબોલિઝમ સુધારવા માટે આ પ્રકારનો ડાયેટ અજમાવી શકાય છે.
અન્ય પ્રકારના આહાર પ્લાનમાં પોષકમૂલ્ય ધરાવતા સ્થાનિક આહાર કે ખાદ્યોનો સમાવેશ થાય છે. આ પ્રકારના આહારમાં ફક્ત કૅલરી કે પછી પ્રોટીનની ગણતરી કરવાને બદલે જે ખાદ્ય પદાર્થના મૂળમાં પરંપરાગત અને આપણા પ્રદેશમાં ઊગતાં અનાજ, ધાન્ય તેમ જ વનસ્પતિ, વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારનો ડાયેટ સારું સ્વાસ્થ્ય બક્ષશે. આપણું શરીર સ્થાનિક આબોહવા તેમ જ ત્યાં બનતા આહાર માટે વધુ અનુકૂળ રહે છે, આથી એને અનુરૂપ ખાદ્ય પદાર્થના ઉપયોગથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઘટશે. આપણાં અનાજ, ધાન્યો, કઠોળ, દાળ, વગેરેનો ઉપયોગ વિદેશી ખાદ્યો કરતાં આપણા શરીરને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ કરશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)


