5.7ની તીવ્રતાના ભૂકંપથી જમ્મુ-કાશ્મીરથી લઈ દિલ્હીની ધરા ધ્રજી

જમ્મુ-કાશ્મીર: દેશમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે પાકિસ્તાનથી લઈને જમ્મુ-કાશ્મીરથી લઈને છેક દિલ્હી સુધી અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં પૃથ્વીના પેટાળમાં 255 કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સવારે લગભગ 11 વાગ્યે આવ્યો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. દિલ્હીમાં પણ ઠેર ઠેર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા ઘર-ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં અગાઉ પણ 3 વખત ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.