લોકડાઉનમાં છૂટછાટો આપવા સામે WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દુનિયામાં અનેક દેશોએ લોકડાઉન કે તાળાબંધી લાગુ કરી છે. ભારત પણ એવા દેશોમાં સામેલ છે. ભારતમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ છે.

હવે આ લોકડાઉન ઉઠાવી લેવા માટે ઘણા દેશોનાં લોકો ઉતાવળા થયા છે. અમુક દેશોમાં લોકડાઉન નિયમોમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે.

પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દુનિયાના દેશોને ચેતવ્યા છે. એણે કહ્યું છે કે કોરોના વાઈરસને દુનિયાના દેશોની સરકારો હળવાશથી ન લે. જરાસરખી લાપરવાહી પણ એ દેશોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પાડશે એવું બની શકે છે.

ભારતમાં શરાબના વેચાણની પરવાનગી આપતાં ઠેર ઠેર શરાબ ખરીદનારાઓની લાંબી લાઈનો લાગી રહી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની ઐસીતૈસી કરી દેવામાં આવી છે.

WHOના વડા ડો. ટેડ્રોસે કહ્યું છે કે લોકડાઉન પાછું ફરવાનું જોખમ વાસ્તવિક છે એ દેશોએ સમજી લે. જો કોઈ દેશ સતર્ક નહીં રહે અને લોકડાઉન મામલે તબક્કાવાર કામ નહીં કરે તો કોરોના બીમારી પાછી ફરવાનો ખતરો રહેશે.

ભારત સહિત કેટલાક દેશોએ અર્થતંત્રની ચિંતાને કારણે કેટલીક બિન-આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ-ખરીદીમાં છૂટછાટ આપી છે.

દુનિયાભરમાં કોરોનાનાં 38 લાખથી વધારે કેસો નોંધાયા છે અને અઢી લાખથી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. રોજ પાંચેક હજાર જેટલા લોકો મૃત્યુ પામે છે. તેથી લોકડાઉનને જો ઉતાવળે ઉઠાવી લેવામાં આવશે તો કોરોનાને કારણે મરણાંક ઝડપથી વધી શકે છે.

જ્યાં કોરોના કેસોની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં લાંબો સમય સુધી લોકડાઉન રખાયા બાદ હવે ત્યાં જિંદગી ફરી પાટે ચડી શકી છે.