પર્લ હાર્બર, 9/11 કરતાં પણ કોરોનાનો હુમલો જીવલેણઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસનો હુમલો બીજા વિશ્વ યુદ્ધ વખતે પર્લ હાર્બર પરના હુમલા અને 9/11ના આતંકવાદી હુમલા કરતાં પણ વધુ ખતરનાક ગણાવ્યો છે. નર્સોની સાથે મીટિંગ પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે આપણે દેશમાં અત્યાર સુધીના સૌથી ખરાબ હુમલાનો સામનો કરી રહ્યા છીએ, પણ આ સૌથી ખરાબ હુમલો છે. આ પર્લ હાર્બરથી પણ ખરાબ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા કરતાં પણ બહુ ખરાબ છે, પહેલાં ક્યારેય આ પ્રકારનો કોઈ હુમલો નથી થયો.

પર્લ હાર્બર, 9/11 હુમલાને ટ્રમ્પે યાદ કર્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભૂતકાળમાં અમેરિકા પર હુમલા થયા છે, પછી એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો હોય અથવા પર્લ હાર્બરનો હુમલો હોય, પરંતુ કોરોના વાઇરસ જેવો હુમલો ક્યારેય નથી થયો. તેમણે કોરોના વાઇરસને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે એ કેવી રીતે પહોંચ્યો, એની માહિતી તેમને નથી, પણ એને અટકાવી શકાતો હોત. આવું નહીં થવાથી એ આપણા માટે અદ્રશ્ય દુશ્મનથી જંગ લડવા જેવું છે.

કોરોના વાઇરસથી હુમલો બદથી બદતર

ટ્રમ્પે કહ્યું હતું કે આ અદ્રશ્ય દુશ્મનની સામે આપણે જંગ લડવાનો છે. તેમણે કોરોના વાઇરસના જંગ સામે રચિત ટાસ્ક ફોર્સની પ્રશંસા કરી હતી. બુધવાર સુધી કોવિડ-19ને કારણે અમેરિકામાં કુલ મૃતકોની સંખ્યા 72,000 થઈ ગઈ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 1941માં પર્લ હાર્બર ખાતે અમેરિકાના નૌસેના મથક પર જાપાની હવાઈ દળે હુમલો કર્યો હતો. જે પછી અમેરિકાને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં લડાઈ લડવી પડી હતી. 11 સપ્ટેમ્બર, 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરાયેલા આતંકવાદી હુમલામાં આશરે ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.