કોરોના વિરુદ્ધ આયુર્વેદઃ ભારતે શરૂ કરી ચિકિત્સકીય અજમાયશો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા એના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓના ઉપયોગની સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે અશ્વગંધા સહિત અન્ય આયુષ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી રહી છે, જેથી આ દવાઓ કોરોના સંક્રમણને અટકાવવામાં અથવા એના ઇલાજમાં કેટલી કારગત સાબિત થાય છે એ ચકાસી શકાશે.

આ ટ્રાયલ 1000 દર્દીઓ પર કરવામાં આવશે

આયુષ મંત્રાલય આયુર્વેદની ચાર દવાઓ દ્વારા કોરોના દર્દીઓ પર અજમાયશ શરૂ કરશે. બે દિવસમાં થનારી આ ટ્રાયલ 12 સપ્તાહની હશે અને 1000 દર્દીઓ પર તે કરવામાં આવશે. આ ટ્રાયલ આયુષ મંત્રાલય CSIRની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલય અને CSIRની સાથે મળીને ત્રણ પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.

ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ

તેમણે કહ્યું હતું કે ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી હી છે. બહુ મોટાં સેમ્પલ સાઇઝ પર અમે સ્ટડી કરી રહ્યા છીએ. આમાં સેમ્પલ સાઇઝ પાંચ લાખની છે. વડા પ્રધાન મોદીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા મુદ્દે આયુષ મંત્રાલયની દવા વિશે જે સલાહ આપી હતી એની અસરની ચકાસણી 50 લાખ લોકો પર કરી રહ્યા છે. ચાર આયુર્વેદ દવા છે – અશ્વગંધા, યષ્ટિમધુ, ગુડૂચી અને પિપ્પલી.

આરોગ્યપ્રધાને આ ટ્રાયલને ઐતિહાસિક ગણાવી

તેમણે કહ્યું હતું કે આ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આરોગ્ય કર્મચારીઓ તથા એ લોકો પર કરવામાં આવી રહી છે, જેઓ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હોય અથવા અન્ય કારણોથી સંક્રમણનો ખતરો સૌથી અધિક ઝળૂંબતો હોય. આ પગલાને ઐતિહાસિક ગણાવતાં તેમણે કહ્યું હતું કે CSIR, ICMRના ટેક્નિકલ સહયોગથી એની ટ્રાયલ કરવામાં આવી રહી છે અને આયુર્વેદિક દવાઓની શ્રેષ્ઠતા આધુનિક તરીકે સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ દવાઓની ટ્રાયલ

આરોગ્યપ્રધાને કહ્યું છે કે જે રીતે આ વાઇરસ સામે આખા વિશ્વમાં લડાઈ ચાલી રહી છે. એની વચ્ચે દેશમાં ઐતિહાસિક કામ શરૂ કરાયું છે. આ ચિકિત્સકીય અજમાયશો દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ દવાઓની શું ભૂમિકા છે અથવા આ દવાઓનું કોવિડ-19 બીમારી સામે લડવામાં શું યોગદાન થઈ શકે છે.