અમારા માટે આ ઋણ ચૂકવવાનો સમય છે: ખાનગી તબીબો

અમદાવાદ: કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યમંત્રીની અપીલને લઈને શહેરના ચાર ડોક્ટરો Covid-19 ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં જોડાયા. મહત્વનું છે કે, કોરોના સામેની આ લડાઈમાં ભાગીદાર થવા, આ સેવાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રીએ શહેરના ખાનગી તબીબોને પણ અપીલ કરી હતી.

આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટરો – ડો. તુષાર પટેલ, ડો. જીગર મહેતા, ડો. ગોપાલ રાવલ, અને ડો. અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવી ઉભી કરાયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ ‘કોવિડ હોસ્પિટલ’માં ફેરવવામાં આવી છે. દિવસે ને દિવસે વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આ ચાર તબીબો આ દર્દીઓની સારવારમાં જોડાયા છે.

સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે, ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યા છે. અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાંત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ ધરાયો છે.

સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘અહીં સર્વ શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓને સઘન સારવાર અપાય છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.

કે.ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેરના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે, એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે. તો ડોક્ટર તુષાર પટેલે કહ્યું કે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની અપીલના પગલે અમે સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. અમે અહીં મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે. અહીં તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને અહીંના ડોક્ટરો અને અમે સૌ સાથે મળીને કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરીશું.

ડોક્ટર ગોપાલ રાવલે જણાવ્યું કે અમારા માટે આ ઋણ ચૂકવવાની તક છે. દર્દીઓની સેવા એ અમારો મૂળ મંત્ર છે અહીંના તબીબો મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે જ સેવા આપી રહ્યા છે પરંતુ આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવાનું કામ કપરું હોઇ અમે પણ આ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે અને આ અમારી સેવા નિશુલ્ક રહેશે. અમે અહીં જ ભણ્યા છીએ અને અહીંના તબીબો અને અમે સૌ ભેગા મળીને સંયુક્ત પણે કોરોનાને હરાવીને જ જંપીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]