ઈસ્લામાબાદઃ અહીંની હાઈકોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસને આ વર્ષની 3 સપ્ટેંબર સુધી મુલતવી રાખવાની આજે જાહેરાત કરી છે.
કોર્ટે કહ્યું કે આ કેસમાં વકીલની નિમણૂક કરવાનો જાધવ તથા ભારત સરકારને સમય આપવો જોઈએ.
પાકિસ્તાન સરકારે નોંધાવેલી રીવ્યૂ પીટિશન પર સુનાવણી કરવા માટે હાઈકોર્ટે બે-ન્યાયાધીશની બેન્ચની રચના કરી છે.
ત્રાસવાદ અને જાસૂસીના આરોપસર કુલભૂષણ જાધવને પાકિસ્તાનની મિલિટરી અદાલતે 3 વર્ષ પહેલાં મોતની સજા ફરમાવી હતી.
પાકિસ્તાનના આ નિર્ણય સામે ભારત સરકારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં કેસ કર્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનના નિર્ણયના અમલ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે અને એને આદેશ આપ્યો છે કે તેણે જાધવ પર મૂકેલા અપરાધના કેસની ફેરવિચારણા કરવી અને અસરકારક રીતે સમીક્ષા કરવી.
પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પીટિશન નોંધાવીને જાધવ માટે એક ‘કાયદેસર પ્રતિનિધિ’ની નિમણૂક કરવાની વિનંતી કરી હતી, પણ ભારત સરકારને તેણે એ વિશે કોઈ જાણ કરી નહોતી. જેની સામે ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે અને બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે.
હવે ઈસ્લામાબાદ હાઈકોર્ટે જાધવ અને ભારત સરકારને આ કેસમાં વકીલ નિમવા માટે સમય આપવાનો ફેંસલો સંભળાવ્યો છે.