માઇક્રોસોફ્ટ 15 સપ્ટેમ્બર સુધીમાં ટિકટોકનું હસ્તાંતરણ કરશે, વાટાઘાટ જારી

સેન ફ્રાન્સિસ્કોઃ માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે કંપનીના CEO સત્યા નડેલા અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે રવિવારે થયેલી વાતચીત પછી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડનાં બજારોમાં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકના હસ્તાંતરણ માટે કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ અમેરિકા માટે ટિકટોકની ખરીદી માટે ચર્ચા કરી રહી છે, એમ ટેક દિગ્ગજે એના બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું. ટ્રમ્પની અમેરિકામાં ટિકટોકને બંધ કરવાની ધમકી

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં અમેરિકામાં ટિકટોકને બંધ કરવાની ધમકી આપી હતી. રાજ્યના સચિવ માઇક પોમ્પિયોએ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટિકટોકની સામે કડક કાર્યવાહીની ઘોષણા કરવા માટે તૈયાર છે. કંપનીએ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ રાષ્ટ્રપતિની ચિંતાઓને દૂર કરવાની વાત પર ભાર મૂક્યો હતો. કંપનીએ કહ્યું હતું કે એ ટિકટોકની સંબંધી સુરક્ષાની સંપૂર્ણ સમીક્ષા કરશે અને અમેરિકાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કંપની એ હસ્તાંતરણ કરવા આગળ વધશે.

સત્તાવાર રીતે પુષ્ટિ કર્યા બાદ અહેવાલ સામે આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં આઠ કરોડથી વધુ માસિક વપરાશકર્તાઓવાળા શોર્ટ વિડિયો એપ પર પ્રતિબંધ મૂકવાના હતા, જેથી માઇક્રોસોફ્ટે ચીનસ્થિત ટિકટોકના અમેરિકી સંચાલનને ખરીદવા માટે હાલપૂરતું અટકાવી દીધું હતું.

આ સોદો ઘોંચમાં પડ્યો હતો

જોકે બંને કંપનીઓ વચ્ચે કરાર થવાના નજીક હતો, પણ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણી આપતાં આ સોદો ઘોંચમાં પડ્યો હતો.  માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે એ ટિકટોકની મૂળ કંપની બાઇટડાન્સની સાથે વાતચીત છેલ્લાં કેટલાંક સપ્તાહથી ચાલી રહી છે અને  એ ચર્ચાને પૂરી કર્યા પછી 15 સપ્ટેમ્બર, 2020 સુધી સોદો કરી લેવામાં આવશે. આ પ્રક્રિયા દરમ્યાન માઇક્રોસોફ્ટ અમેરિકી સરકાર સાથે પણ વાતચીત જારી રાખવા માટે તત્પર છે.

બંને કંપનીઓ એક પ્રારંભિક પ્રસ્તાવની જાણ માટે નોટિસ આપી છે, જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડમાં ટિકટોક સર્વિસ ખરીદવી સામેલ છે. એના પરિણામસ્વરૂપ માઇક્રોસોફ્ટ આ બજારોમાં ટિકટોકનું સંચાલન અને કામગીરી સંભાળશે. આ સાથે કંપનીએ કહ્યું હતું કે એ અમેરિકી રોકાણકારોને આ ખરીદીમાં લઘુતમ હિસ્સો ખરીદવા માટે આમંત્રિત કરી શકે છે.

કંપનીએ ખાતરી આપવી પડશે

માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે કંપનીએ ટિકટોકના અમેરિકી વપરાશકર્તાઓના ખાનગી ડેટાને અમેરિકામાં સ્થાનાંતરિત કરવા માટે ખાતરી આપવી પડશે. એ ત્યાં સુધી કોઈ પણ ડેટા અમેરિકાની બહાર સ્ટોર અથવા બેકઅપ નહીં કરવામાં આવે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એ ખાતરી કરશે જો એ ડેટા સ્થાનાંતરિત થયા હશે તો પછી દેશની બહારના સર્વરમાંથી એને દૂર કરવામાં આવશે.

સામે પક્ષે ટિકટોકે પોતાના સંચાલન પર કોઈ ચીની નિયંત્રણ હોવાનો ઇનકાર કર્યો હતો.