દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)એ ભારત, પાકિસ્તાન, નાઈજિરીયા તથા અન્ય દેશોમાંથી આવનારી ટ્રાન્ઝિટ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 5 ઓગસ્ટથી ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે. આ દેશની નેશનલ ઈમર્જન્સી એન્ડ ક્રાઈસિસ મેનેજમેન્ટ ઓથોરિટી એજન્સીએ આજે આ જાહેરાત કરી છે.
કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે યૂએઈના શાસકોએ દક્ષિણ એશિયા તથા આફ્રિકાના ઘણા દેશોમાંથી વિમાન પ્રવાસીઓના પ્રવેશ પર અનેક મહિનાઓથી પ્રતિબંધ મૂક્યો છે. આ વિભાગે ટ્વિટર હેન્ડલ પર જાણ કરી છે કે જે દેશોમાંથી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરાઈ છે ત્યાંથી પ્રવાસ કરનાર પ્રવાસીઓ ગુરુવારથી યૂએઈના એરપોર્ટ્સ મારફત ટ્રાન્ઝિટ કરી શકશે, પરંતુ એમની પાસે PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ અને તે ટેસ્ટ રિપોર્ટ તેમણે પ્રવાસે રવાના થયાના 72 કલાક પહેલા મેળવેલો હોવો જોઈએ.