પાકિસ્તાન કંગાળઃ PM હાઉસ ભાડે આપવાનું એલાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન બદથી બદતર થઈ રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સત્તાવાર નિવાસસ્થાનને ભાડે આપવા બજારમાં મૂક્યું છે. આ પહેલાં ખાનના નેતૃત્વવાળી તહરિક-પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ સરકારે વડા પ્રધાનના નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં ફેરવવાની જાહેરાત કરી હતી. જોકે એ યોજનાને પછી દૂર કરવામાં આવી હતી.

ઓગસ્ટ, 2019માં પાકિસ્તાન સરકાર દ્વારા વડા પ્રધાનના ઘરને અત્યાધુનિક શૈક્ષણિક સંસ્થામાં ફેરવવાની યોજનાની ઘોષણા પછી ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં સત્તાવાર નિવાસ ખાલી કરી દીધું હતું. ફેડરલ સરકારે એ લોકોને સંપત્તિ ભાડે આપવાનો નિર્ણય કર્યો છે, જે ઇસ્લામાબાદમાં રેડ ઝોન સ્થિત જગ્યાઓમાં સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો યોજવા માગે છે. એ હેતુ માટે બે સમિતિઓની રચના કરવામાં આવી છે,  સમિતિ PM હાઉસમાં શિસ્ત અને મર્યાદાનુ ઉલ્લંઘન ન થાય એ માટે જવાબદાર હશે, એમ સમા ટીવીએ કહ્યું હતું. સ્થાનિક મિડિયા અનુસાર સરકારની કેબિનેટપ્રધાનો બેઠક કરશે અને PM હાઉસ બિલ્ડિંગમાંથી આવક કેવી રીતે ઊભી કરવી- એ વિશે ચર્ચા કરશે.

વડા પ્રધાનનું ઓડિટોરિયમ, બે ગેસ્ટ વિંગ અને એક લોન (Lawn) ફંડ એકત્ર કરવા માટે સંભવતઃ ભાડે આપવામાં આવશે. આ સિવાય પાકના PMના ભૂતપૂર્વ કાર્યસ્થળો પર ઉચ્ચ સ્તરીય રાજકીય કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજિત કરવામાં આવશે.

ઇમરાન ખાને વડા પ્રધાનનો પદભાર ગ્રહણ કરતાં કહ્યું હતું કે સરકાર પાસે પ્રજાનાં કલ્યાણકારી યોજનાઓ માટે નાણાં નથી. ઇમરાન ખાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનનું અર્થતંત્ર 19 અબજ ડોલર ઘટ્યું છે. તેમણે અનેક સરકારી ખર્ચાઓમાં પણ કાપ મૂક્યો હતો. સરકાર અને રાજ્યની સંસ્થાઓનાં દેવાંમાં રૂ. 45,000 અબજનો વધારો થયો છે.

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]