કોલકાતા: પશ્ચિમ બંગાળના નગરપાલિકા ભરતી કૌભાંડમાં EDએ પોતાની તપાસ વધુ તેજ બનાવી છે. શનિવારે સવારે EDએ ભવાનીપુર સ્થિત TMC ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાન સહિત કુલ સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ સ્થળોએ તપાસ અને તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મદન મિત્રાએ કથિત રીતે દલાલો મારફતે રોકડ રકમ અને સોનાના રૂપમાં લાંચ લીધી હતી. આ લાંચના બદલામાં તેમણે કામરહાટી નગરપાલિકા સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી કરાવી હતી. દરોડા સમયે મદન મિત્રા તેમના કામરહાટી અથવા ભવાનીપુર સ્થિત નિવાસસ્થાને હતા કે નહીં, તેની માહિતી તરત મળી શકી નહોતી.
આ કાર્યવાહી નગરપાલિકા ભરતી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કામરહાટી નગરપાલિકા સહિત અનેક નગરપાલિકાઓમાં વિવિધ પદો પર અયોગ્ય ઉમેદવારોની ભરતી કરાવવા બદલ મદન મિત્રાએ દલાલો મારફતે રોકડ અને સોનાની લાંચ લીધી હતી. તેઓ આવી 125થી વધુ ગેરકાયદે ભરતી સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે અને મામલાની વધુ તપાસ ચાલુ છે. EDએ દક્ષિણેશ્વરમાં આવેલા મદન મિત્રાના ફ્લેટની પણ તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કેટલીક રોકડ રકમ, મહત્વના દસ્તાવેજો તેમ જ તેમનાં છ બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી.
Kolkata, West Bengal: An ED search operation is underway at TMC MLA Madan Mitra’s flat in Abhilasha Apartment, located within the jurisdiction of Thakurpukur Police Station pic.twitter.com/1DdtJBZQzW
— IANS (@ians_india) June 13, 2026
અનેક નગરપાલિકાઓમાં ભરતીમાં ગેરરીતિના આરોપ
જે નગરપાલિકાઓમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે તેમાં કાંચરાપાડા, ન્યુ બેરકપુર, કામરહાટી, ટીટાગઢ, બરાનગર, હાલીશહર, સાઉથ દમદમ અને દમદમનો સમાવેશ થાય છે. આ નગરપાલિકાઓમાં મજૂર, સફાઈ કર્મચારી, ક્લાર્ક, પટાવાળો (ચપરાસી), એમ્બ્યુલન્સ એટેન્ડન્ટ, સહાયક મિસ્ત્રી, પંપ ઓપરેટર, હેલ્પર, સેનિટરી અસિસ્ટન્ટ અને ડ્રાઇવર જેવા વિવિધ પદોની ભરતીમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે.






