રાજકોટ: લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે રાજકોટના રાજકારણનો પારો ઉપર ચડી રહ્યો છે. ચૂંટણી પ્રચારને લઈ નેતાઓ એક બીજ પર વાણી વિલાસ કરતા હોય છે. ત્યારે નેતાઓની જીભ લપસી હોવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. જેમાં રાજકોટ નેતાઓના વાણી વિલાસની ચર્ચામાં રહેતી બેઠક બની ચૂકી છે. જ્યાં શરૂઆત ભાજપ ઉમેદવારથી થતી. રાજકોટ ભાજપ ઉમેદવાર બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાદ હવે રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાદના વાણી વિલાસ પર વિવાદના વંટોળ ઊભા થયા છે.
રાજકોટનાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા ક્ષત્રિયો અને પટેલોને હરખપદુડા કહેવા બદલ ભાજપે ફરિયાદ કરી હતી. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી વિભાગનાં રિટર્નિગ ઓફીસરે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.
પરેશ ધાનાણીનું નિવેદન
રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં બોલ્યા કે “1995માં આપણે 18 વર્ણ એક થઇ ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાયે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું. અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ બેય હરખપદુડા. ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું. કે આ જલ્દી ઝાડ મોટું થાય અને ભરઉનાળે છાંયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાંહા ફાટી ગ્યા. આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી, એની પોલીસે અમારી મા, બેન, દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એના શીયળની લાજ બચાવવા માટે બોર-બોર જેવડા આંસુ પડે..એના આંસુડા એના અહંકારને ઓગાળી ન શક્યા…હું તે દિવસે કહેતો હતો વારા ફરતી વારો અને મેં પછી ગારો. કોઇ બાકી રહ્યું છે ખરા?” નિવેદના બાદ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો.
રાજકોટ બેઠક અવર નવાર નેતાઓના વાણી વિલાસથી ચર્ચીત રહ્યું છે ત્યારે રાજકોટ બેઠક પરના આચાર સંહિતાના ભંગ સામે નોંધાયેલી ફરિયાદની વાત કરીએ તો, રાજકોટમાં આચારસંહિતાના ભંગની કુલ 305 ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 132 ફરિયાદ નોંધાય છે.