રાજ્યમાં બે વ્યક્તિઓનાં હાર્ટ એટેકથી મોત

અમદાવાદઃ વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું  છે. એ કિશોર 3 દિવસથી બીમાર હતો, જ્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જામનગરમાં પણ 35 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.

વલસાડ તાલુકાના પારનેરા ગામના બારચાલી ફળિયામાં આયુષ સુરેશભાઈ રાઠોડ (15)  રહેતો હતો. તે  શાળાના ધોરણ 10માં અભ્યાસ કરે છે. આયુષ રાઠોડે છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જોકે તબિયત વધુ લથડી  પડતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ અચાનક તેનું મોત થતાં પારનેરા ગામમાં  શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ પહેલાં વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જિમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.બીજી બાજુ, જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષનો એક યુવક કે જેને પહેલી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેનું હાર્ટ એટેક આવી જતાં તેનું મોત થયું હતું.