ચીનના શેરબજારમાં CSI એક કલાકમાં આઠ ટકા તૂટ્યો

બીજિંગઃ ચીનનો CSI 1000 ઇન્ડેક્સ એક કલાકમાં વેચવાલીના દબાણે આઠ ટકા તૂટ્યો હતો. આ ઇન્ડેક્સ 400 પોઇન્ટ અથવા 8.68 ટકા તૂટીને 4177.94ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. CSI1000 ઇન્ડેક્સ જાન્યુઆરીમાં અત્યાર સુધી 27 ટકા તૂટી ચૂક્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં એ 38 ટકા તૂટ્યો હતો.

ચાઇનીઝ સ્ટોક ઇન્ડેક્સ સોમવારે સતત સાતમા સેશનમાં તૂટ્યો હતો. ઇન્ડેક્સમાં 984 શેરોએ સતત નીચલી સપાટી બનાવી રહ્યા છે. ચીનના શેરબજારમાં મોટી અફરાતફરી મચી છે. વર્ષ 2021 પછી ચીનના માર્કેટ કેપમાં સાત લાખ કરોડ ડોલરનો ઘટાડો થઈ ચૂક્યો છે. ચીનના શેરો માટે વર્ષ 2024નો પ્રારંભ ખરાબ રહ્યો છે, જ્યારે ફેબ્રુઆરી પછી એ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મિડકેપ અને-સ્મોલ કેપ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ગંભીર નાણાકીય સંકટ અને દેશના અર્થતંત્રના પ્રતિકૂળ ડેટાની સાથે-સાથે અમેરિકાની સાથે વધતા ટેન્શન ચીનના શેરમાર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. બીજિંગ દ્વારા અર્થતંત્રમાં વિશ્વાસ જાળવવા અને શેરબજારમાં મંદીને અટકાવવાના પ્રયાસો છતાં ત્રણ વર્ષમાં માર્કેટ વેલ્યુ સાત ટ્રિલિયન ડોલર સુધી ઘટી ગયું છે.વળી, IMFના અંદાજ મુજબ ચીનનો GDPમાં વાર્ષિક ગ્રોથ આ વર્ષે 2023માં 5.2 ટકા ઘટીને ધીમો પડીને 4.6 ટકા થશે, જે છેલ્લા એક દાયકામાં સૌથી નબળો દેખાવ છે.