રોડ-શોમાં CMએ વર્ણવી વાઇબ્રન્ટ સમિટની સફળતાની ગાથા

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ નિમિત્તે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના મુંબઈમાં આયોજિત રોડ-શોમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી.

દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઇઝાર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્ય મંત્રીએ મુંબઈની તાજ હોટેલમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ૩૫ જેટલા રાજદ્વારીઓ, અને ૩૫૦થી વધુ ઉદ્યોગ અને વેપારના અગ્રણીઓ સહભાગી થયા હતા. મુખ્ય મંત્રીએ આ રોડ-શો પૂર્વે ૧૩ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે  વિકાસનું રોલ મોડેલ બન્યું છે એ અંગેની વિગતો આપી હતી.

તેમણે આ સંદર્ભે કહ્યું હતું કે વડા પ્રધાનના બ્રેઇન ચાઇલ્ડ કોન્સેપ્ટ સમાન વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતનો જી.એસ.ડી.પી. ૨૦૦૩માં રૂપિયા ૧.૪૨ લાખ કરોડ હતો, તે વધીને આજે ૨૦૨૩માં રૂ. ૨૨.૬૧ લાખ કરોડ થઈ ગયો છે. એટલું જ નહીં, ગુજરાતનું અર્થતંત્ર દેશની સરેરાશ કરતાં ૧૫ ટકા કમ્યુલેટિવ એન્યુઅલ ગ્રોથ સાથે વિકાસ પામ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી બનાવવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ગુજરાત પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

તેમણે ગુજરાતમાં દરેક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓનો લાભ લેવા વેપાર, ઉદ્યોગ, ફાઇનાન્સ સેક્ટર્સના અગ્રણીઓને વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઊદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, તથા જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.