બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થવાની કહાની…

આજના દિવસે એટલે કે 59 વર્ષ પહેલા 1લી મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી. બંને રાજ્યોના લોકો આજે ખૂબ જ ધામધૂમથી સ્થાપના દિવસની ઉજવણી કરે છે. આ બંને રાજ્યોની સ્થાપના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી. આ જ દિવસે ગુજરાતીઓને અને મરાઠીઓને પોત પોતાના અલગ રાજ્ય પ્રાપ્ત થયાં હતાં.

આંદોલનના દ્રશ્યો અને ઈન્દુલાલ યાજ્ઞિક

સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ

બોમ્બેથી મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના સુધીની સફરમાં ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ 1960 પહેલાની વાત છે, તે સમયે બંને રાજ્યો બોમ્બેનો ભાગ હતા. બોમ્બેમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષાઓ બોલાતી હતી.ધીરે ધીરે બંને ભાષાના લોકોમાં અલગ રાજ્યની માંગ ઉભી થવા લાગી. આ લોકો ભાષાના આધારે પોતાના માટે રાજ્યની માંગ કરી રહ્યા હતા. કેમ કે, 1956ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ ઘણા રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું હોવાથી બોમ્બે જેમ હતું તેમજ રહ્યું.

ગુજરાતી મરાઠીઓને અલગ રાજ્યની આશા બંધાઈ

1956ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ, આંધ્ર પ્રદેશની રચના તેલુગુ ભાષી લોકો માટે કરવામાં આવી હતી,કર્ણાટકની રચના કન્નડ ભાષી લોકો માટે કરવામાં આવી હતી,કેરળની રચના મલયાલમ ભાષી લોકો માટે અને તમિલનાડુની રચના તમિલ ભાષી લોકો માટે કરવામાં આવી હતી.અલગ-અલગ ભાષાના લોકો માટે અલગ રાજ્યોની રચના કરવામાં આવી. આ જોઈને બોમ્બેના મરાઠી અને ગુજરાતી લોકોને પણ અલગ રાજ્યની આશા બંધાઈ. બાદમાં ગુજરાતી અને મરાઠી લોકોએ અલગ રાજ્યની માંગ સાથે બોમ્બેમાં આંદોલન શરૂ કર્યું. લોકોએ તેમની માંગણીઓને લઈને અનેક આંદોલનો કર્યા. એમાંય સ્થિતિ ત્યારે વધુ ઉગ્ર બની જ્યારે બંનેને મુંબઈનો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો.

આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓના મૃ્ત્યુ

દિન-પ્રતિદિન પ્રદર્શન વિરોધ વધતો ગયો. આંદોલન ઉર્ગ થવાં લાગ્યા. 1948માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું. ‘મહાગુજરાત આંદોલન’એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. એવામાં જવાહરલાલ નહેરુએ ઉગ્ર પરિસ્થિતિનો નિવાડો લાવવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાની ભલામણ કરી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર – મુંબઈ રાજ્ય. મુંબઈ અને અન્ય મરાઠી ભાષા બોલતા લોકો માટે બીજા રાજ્યની વાત સાંભળી વિરોધ ફાટી નિકળ્યો. આની સાથે જ બીજ ઉગ્યુ સંયુકત મહારાષ્ટ્ર આંદોલનનું.તો બીજી બાજુ અમદાવામાં અલગ રાજ્યની માંગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ મોરારજી દેસાઈ સમક્ષ રજૂઆત કરવા ગયાં. તેમણે વિદ્યાર્થીઓની વાતને ન સાંભળી અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી થઈ. જેમાં અંદાજીત 8 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તેને કારણે ગુજરાતમાં દેખાવો થયાં અને વિરોધ વધુ ઉગ્ર બની ગયો.

આ બધાની વચ્ચે આંદોલનને દિશા આપવા માટે ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. બાદમાં ઈન્દુલાલ યાજ્ઞિકને જેલ જવાનો વારો પણ આવ્યો. જ્યારે મહારાષ્ટ્રની માંગ માટે મહારાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવી હતી. અંતે આંદોલનની સ્થિતિને ધ્યાને રાખી 1 મે, 1960ના રોજ, બોમ્બેને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. બંને રાજ્યો અલગ થઈ ગયા પરંતુ હવે બીજી સમસ્યા ઊભી થઈ.આ સમસ્યા એ હતી કે બોમ્બેને બંને પોતાના રાજ્યમાં સામેલ કરવાની માંગ કરતાં હતાં. બંને રાજ્યો બોમ્બેને તેમના રાજ્યોનો ભાગ બનાવવા માંગતા હતા.ગુજરાતના લોકો બોમ્બેને પોતાનું માનતા હતા.તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિમાં તેમનું વધુ યોગદાન છે.

મહારાષ્ટ્રના લોકો માનતા હતા કે બોમ્બે તેમનો ભાગ છે કારણ કે અહીંના મોટાભાગના લોકો મરાઠી બોલે છે. ભારે સંઘર્ષ બાદ આખરે મહારાષ્ટ્ર જીતી ગયું. બોમ્બેને મહારાષ્ટ્રની રાજધાની બનાવવામાં આવી. મહારાષ્ટ્રમાં ‘મહારાષ્ટ્ર દિવસ’ અને ગુજરાતમાં ‘ગુજરાત દિવસ’ 1 મેના રોજ ઉજવવામાં આવ્યો. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળા-કોલેજોમાં પણ અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.