વડનગર પાસેના વગડામાં રમણભાઈની અનોખી સેવા

જાસ્કા વડનગર: સમગ્ર ગુજરાત સૂર્ય પ્રકોપથી સેકાઇ રહ્યું છે. જમીન પર અંદાજે 45 ડીગ્રી તાપમાનથી માણસ અને એની આસપાસના તમામ જીવો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીથી લોકોને રાહત મળે એ માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ અનેક પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. માર્ગો પર નિઃશુલ્ક પાણી, છાશ અને લીંબુના સરબત જેવી અનેક સેવાઓ લોકો આપી રહ્યા છે. પરંતુ આ કાળઝાળ ગરમીમાં વન વગડાના મુંગા પશુ-પક્ષીઓનું કોણ? એમનું ધ્યાન રાખવાવાળા અને બનતી સહાય કરવાવાળા પણ આ પૃથ્વી પર અસંખ્ય વિરલાઓ છે. એમાનાં એક છે મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં આવેલા જાસ્કા ગામના રમણભાઇ પટેલ.

અસહ્ય ગરમીમાં મુંગા પશુ-પક્ષીઓ પાણી કે ખોરાક વગર તરફડીને મૃત્યુ ના પામે એ માટે રમણભાઇ છેલ્લા આઠ વર્ષ કરતાં વધારે સમયથી કાર્યરત છે. રમણભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારા ગામ જાસ્કાથી ઉમતા સુધીમાં ખરાબાની જમીનો છે. એકદમ પડતર જમીનમાં વન વગડા જેવું જ વાતાવરણ છે. જ્યાં અસંખ્ય પશુ પક્ષીઓ ખોરોક પાણી માટે આવે છે. જેમાં મોર, પોપટ, વાંદરા, વગડાનાં રોઝ સહિત અનેક પશુ-પક્ષીઓ આવે છે. ચોમાસામાં આસપાસ ભરાઇ રહેલા પાણી, ચારો અને દાણાંથી પશુ પક્ષીઓ પોતાનું નિર્વાહ કરી લે છે. પરંતુ આ આગ ઓકતી ગરમીની ઋતુમાં અહીંયા અબોલ જીવો પાણી અને ખોરાક માટે વલખાં મારતા હોય છે. હું સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો એટલે તરત જ વતન જાસ્કામાં આવી ગયો. ત્યારબાદ જાસ્કાથી ઉમતા વિસ્તારના આ વગડાંમાં પક્ષીઓ માટે કુંડા મુક્યા છે. મોટા પશુઓ તરસ છીપાવી શકે એ માટે હવાડા બનાવ્યા છે. એમાં નિયમિત ટેન્કરો દ્વારા પાણી નંખાવીએ છીએ. હું જ્યારે સરકારી નોકરીમાં સિધ્ધપુર હતો ત્યાં પણ વાંદરા સહિતના અન્ય જીવોને ખોરાક પાણી મળી રહે એવા મારાથી બનતા પ્રયત્નો કરતો. આ સાથે ઉનાળાના સમયમાં ખાસ વતન જાસ્કા આવી આસપાસના પશુ-પંખીને મદદ પહોંચાડી શકું એવા પ્રયત્નો કરતો. અત્યારે હું મારા સ્કૂટર પર જ્યારે પશુ-પંખી અને વાંદરા માટે ખોરાક પાણીની મદદે જતો હોંઉ એ જોઇ લોકો મદદ માટે તૈયાર થઇ રહ્યા છે.”રમણભાઇ વધુમાં કહે છે “આ વર્ષે ગરમી વધુ આકરી છે. નિત્યક્રમ પ્રમાણે બે ય ટાઇમ વન વગડાંમાં જાતે જઇ ટેન્કર મંગાવી હવાડા અને કુંડામાં પાણી ભરી દઉં. આ સાથે પક્ષીઓ માટે જુવાર, બાજરો, મકાઇ જેવું ચણ નાખું. જ્યારે આ વગડામાં મોટી સંખ્યામાં આવતા વાંદરા માટે ચીકુ, કાકડી, ચણાં, તરબૂચ, કેરી લાડવા જેવી વસ્તુઓ લાવી ખવડાઉં. કેટલીકવાર આજુબાજુમાં પ્રસંગ હોય તો પુરીઓ, રોટલી, રોટલા પણ વાંદરાઓને આપીએ. આમાં એક રમુજ પણ થઇ વાંદરાને ખવડાવતાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં. આ જોઇ લોકો વાંદરાવાળા રમણભાઇ એમ કહેતાં મેં ફોટા મુકવાનું બંધ કર્યું પણ સમજુ અને પરોપકારી લોકોએ કહ્યું તમે જે કામ કરો છો એ સહેલું નથી. અબોલ જીવોની આ કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવી એ જ સાચી સેવા છે. એટલે તમે ફોટા પાડીને મુકશો તો બીજા લોકો પણ પ્રેરાઇને પશુ પંખીને પાણી પીવડાવશે. ખરેખર એવું જ થયું છે આ નિ:સ્વાર્થ સેવા સંકલ્પમાં સમયાંતરે લોકો જોડાતા જાય છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)