મોદી મતદાન કરે છે એ શાળાએ રજૂ કરી રામાયણની ઝાંખી

અમદાવાદઃ શહેરના રાણીપ નિર્ણયનગર વિસ્તારમાં આવેલું નિશાન શૈક્ષણિક સંકુલ આમ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતું છે, કારણ કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાણીપ નિર્ણયનગરના આ સંકુલમાં જ આવે છે. શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાને પણ રાણીપ વિસ્તાર અને નરેન્દ્ર મોદી સાથે અનોખું જોડાણ છે. દેશમાં જ્યારે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામની લગની લાગી છે. સૌકોઈ ઉત્સવ, મહોત્સવ, પૂજા, પાઠ, કથા , ભજન કીર્તન સાથે પોતાની આગવી કલા પ્રદર્શિત કરી રહ્યું છે. રાણીપના નિશાન શૈક્ષણિક સંકુલમાં બાળકોએ રામાયણના 17 ભાગ સુંદર રીતે તૈયાર કરી રામલલ્લાને પોતાની કૃતિ સમર્પિત કરી છે.

નિશાન શૈક્ષણિક સંકુલનાં આચાર્યા રિદ્ધિ જોશી ચિત્રલેખા.કોમને કહે છે, શ્રીરામ અને અયોધ્યા મંદિર સાથે સૌકોઈ લાગણીથી જોડાયા છે. અમારા શૈક્ષણિક સંકુલના નર્સરીથી માંડી બારમા ધોરણ સુધીનાં બાળકોએ રામાયણના જુદા-જુદા પ્રસંગોમાં ભાગ લીધો. આબેહૂબ રામાયણનાં પાત્રોની વેશભૂષા કરી અને પ્રસંગોને પ્રસ્તુત કર્યા. બાળ રામાયણ સ્વયંવર,  કોપ ભવન, રામ વનવાસ, સીતા હરણ, લંકાદહન, હનુમાન,  સંજીવની, રામસેતુ, રામ-રાવણ યુદ્ધ અને સીતાની અગ્નિ પરિક્ષા જેવા પ્રસંગ ઉત્કૃષ્ટ રીતે કર્યા છે.

રિદ્ધિબહેન કહે છે, બાળકો આવા ભવ્ય પ્રસંગ સાથે જોડાય તેમ જ રામ, અયોધ્યા અને રામાયણના પ્રસંગોથી વાકેફ થાય. આપણા પરંપરાનું જ્ઞાન મળે એ ઉદ્દેશથી અમે આ પ્રકારના કાર્યક્રમ કરીએ  છીએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)