હાઇકોર્ટે મોદીની ડિગ્રી મામલે કેજરીવાલ, સંજય સિંહની અરજી ફગાવી

અમદાવાદઃ હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ- અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે વડા પ્રધાન મોદીની શૈક્ષણિક યોગ્યતા પર તેમની ટિપ્પણીઓ પર અપરાધિક મામલામાં તેમની વિરુદ્ધ જારી સમન્સને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં જારી થયેલા સમન્સને રદ કરવા સાથે ફરિયાદ રદ કરવાની માગ મુદ્દે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાને ઇનકાર કર્યો છે.

આ ઉપરાંત કોર્ટે કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે આદેશ પર પ્રતિબંધ મૂકવા ઇનકાર કર્યો છે. GUએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહે પત્રકાર પરિષદમાં અને સોશિયલ મિડિયા પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતા અપમાનજનક નિવેદનો કર્યાં છે.

ફરિયાદકર્તાઓ અનુસાર GUને નિશાન બનાવતાં જાણીબૂજીને કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ માનહાનિકારક હતી અને યુનિવર્સિટીની શાખને ઠેસ પહોંચાડતી હતી.

હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું. આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ વતી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી. જો આજે સેશન્સ કોર્ટમાંથી રાહત નહીં મળે તો બંને નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માગ કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે માર્ચ, 2023માં એવો ચુકાદો આપ્યા બાદ માનહાનિનો કેસ પ્રકાશમાં આવ્યો હતો કે વડા પ્રધાન કાર્યાલય (PMO) એ માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ) હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્રો રજૂ કરવાની જરૂર નથી. હાઇકોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં આ કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો.