શેરબજારમાં ટ્રેડિંગમાં ૮૯ ટકા લોકો નાણાં ગુમાવે છેઃ નીલેશ શાહ

મુંબઈઃ ઇન્વેસ્ટમેન્ટ માટે માત્ર એજ્યુકેશન-શિક્ષણ કામ નથી આવતું, એ કરતાં પણ વધુ મહત્વની છે કોમન સેન્સ (સામાન્ય બુદ્ધિ). કોમન સેન્સથી માણસ સારું રોકાણ કરી શકે છે. શેરબજારમાં રોકાણ કરો ત્યારે આ ત્રણ બાબતો ખાસ યાદ રાખો, એક, કંપનીનો બિઝનેસ, બે, કંપનીનું મેનેજમેન્ટ અને ત્રણ, શેરનો ભાવ. આ ત્રણેયના સંગમ બાદ રોકાણ કરો એ લાંબા ગાળાનું હોવું જોઈએ. આ શબ્દો છે કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેકટર નીલેશ શાહના.

કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ)ના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઈકોનોમિકસ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ, ફાઈનાન્સ એન્ડ હયુમનિટિઝ દ્રારા ઈન્ટરનલ કવોલિટી એસ્યોરન્સ સેલ (આઈકયુએસી)ના સહયોગ સાથે આયોજિત સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓમાંથી ૮૯ ટકા લોકો નાણાં ગુમાવે છે, જયારે માત્ર ૧૧ ટકા લોકો નાણાં કમાય છે. કરુણતા એ વાતની છે કે હાલ પણ આપણા દેશમાં ૧૮ કરોડ લોકો પોન્ઝી સ્કીમમાં, લોટરીમાં, ક્રિપ્ટોકરન્સીમાં ઓનલાઈન ગેમિંગમાં અને કોલ-પુટ ઓપ્શન્સમાં નાણાં મૂકે છે અને પછી મોટે ભાગે ગુમાવે છે. આમ બચતકારો પોતાના હાથે જ કૂવામાં પડવાની કવાયત કરતા રહે છે.

તેમણે ભારતની ઊજળી બાજુઓ દર્શાવવા સાથે ભારત સામેના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના વિષયનું કેન્દ્ર ભારતનું થઈ રહેલું ટ્રાન્સફોર્મેશન હતું. ભારત પાવર, ઈન્ફ્રાસ્ટ્રકચર, રેલવેઝ, એરપોર્ટસ, પોર્ટસ, સ્ટાર્ટઅપ્સ, કોલસા, મેક ઈન ઈન્ડિયા બાબતે કેવો વિકાસ કરી રહ્યું છે તેના સંખ્યાબંધ ઉદાહરણો સાથે મહત્વની આંકડાકીય માહિતી પણ આપી હતી. તેમણે ભારતની ફિઝિકલથી ડિજિટલ તરફની જબરદસ્ત યાત્રા અને તેની સફળતાને બિરદાવતાં કહ્યું હતું કે ભારત આ વિષયમાં અનેક વિકસિત દેશોથી પણ આગળ રહ્યું છે. ભારત એક સમયે મહદંશે આયાતકાર દેશ હતો, તેમાંથી નિકાસકાર બન્યો છે.

પ્રજાની જાગૃતિ  પણ મહત્વની

હવે પ્રજાએ પણ ચીન યા અન્ય કોઈ વિદેશી ચીજવસ્તુઓ કરતાં ભારતીય-સ્વદેશી માલ ખરીદવા પર જોર આપી દેશના વિકાસને વેગ અને સ્વનિર્ભર બનાવવાની ભૂમિકા સક્રિય બનાવવી જોઈએ. વિદેશી રોકાણકારો અને કંપનીઓ ચીનને બદલે ભારત પર નજર નાખી રહી છે. એટલું જ નહીં, અહી તેમનો પ્રવાહ આવવા લાગ્યો છે. બચતકારોએ સ્માર્ટ રોકાણકાર બનવાનો સમય છે. વિકાસમાં સહભાગી બનવાનો સમય છે, એવું તેમણે ભારપૂર્વક ઉમેર્યુ હતું.

આ પ્રસંગે શરૂમાં કેઈએસના ડિરેક્ટર લીલી ભૂષણે આવકાર વક્તવ્યમાં આ શિક્ષણ સંસ્થાનાં લક્ષ્યો જણાવવા સાથે સેમિનારના રિસર્ચ, કલ્ચર સહિત વિવિધ વિષયોના ઉદ્દેશની ચર્ચા કરી હતી. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વૈભવ આશરે આભાર વિધિમાં નીલેશ શાહના વકતવ્યની સરાહના કરતાં કહ્યુ હતું કે નીલેશ શાહના વિચારો અને તેમણે ભારતના ટ્રાન્સફોર્મેશનની કરેલી વાતો વિદ્યાર્થી પર એક ઊંડી છાપ ઊભી કરશે. નીલેશ શાહે ભારતની વિકાસયાત્રાના આઉટલુક અને ભવ્યતાનું સરળ, પરંતુ ગહન શબ્દોમાં વર્ણન કર્યુ હતું. ઈન્વેસ્ટમેન્ટ જગતમાં ઝીરોથી હીરો કઈ રીતે બનાય તેની વ્યાખ્યા પણ નીલેશભાઈએ સ્પષ્ટ શૈલીમાં આપી દીધી હતી.