આર. અશ્વિને રચ્યો ઇતિહાસઃ ઇંગ્લેન્ડ બે વિકેટે 207

રાજકોટઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો છે. અશ્વિને ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારત માટે ટેસ્ટમાં 500 વિકેટ લેનારો અશ્વિન અનિલ કુંબલે પછી બીજો ક્રિકેટર બન્યો છે.

અશ્વિન ટેસ્ટ ક્રિકેટ કેરિયરની 98મી ટેસ્ટમાં આ કમાલ કર્યો છે, જ્યારે કુંબલેએ આ સિદ્ધિ 105મી ટેસ્ટમાં હાંસલ કરી હતી. બોલના મામલે સૌથી ઝડપી ટેસ્ટ વિકેટ લેવાની વાત કરવામાં આવે તો અશ્વિન બીજા ક્રમે આવી ગયો છે અને તેણે જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો છે.

અશ્વિને 98 ટેસ્ટ મેચની 183 ઇનિંગ્સમાં 500 વિકેટ લીધી છે. અશ્વિને એક ઇનિંગ્સમાં સાત વિકેટનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. તે એક ટેસ્ટ મેચમાં 140 રન આપીને 13 વિકેટ પણ હાંસલ કરી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 34 વાર પાંર વિકેટ અને આઠ વખત 10 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતની ટીમ 445 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આજના દિવસે ધ્રુવ જુરેલે 46, અશ્વિને 37, બુમરાહે 26 અને સિરાજે ત્રણ રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડની ટીમે દિવસની રમતને અંતે બે વિકેટે 207 રન બનાવ્યા હતા, જેમાં બેન ડકેટ 133 રન સાથે નોટઆઉટ છે, જ્યારે જો રૂટ નવ રન સાથે તેની પર ક્રીઝ પર છે. ઇંગ્લેન્ડની પહેલી વિકેટ 89 રને અને એ પછી 182 રને પડી હતી. ભારત વતી સિરાજ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.