ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ કોરોના રોગચાળાને લીધે પહેલી જુલાઈ, 2021થી યોજવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોરોના રોગચાળાને લીધે વિચારવિમર્શ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે એ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ.૪૩ લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે.
ધોરણ 12ની પરીક્ષા વર્તમાન પદ્ધતિએ જ લેવાની પણ જાહેરાત કરતાં શિક્ષણપ્રધાને કહ્યું હતું કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જે બન્ને ભાગની પરીક્ષાના માર્કસ 50-50 હશે. સામાન્ય પ્રવાહમાં 100 માર્કની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.
જોકોઈ વિદ્યાર્થી કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહે તો તેના માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.
શિક્ષણપ્રધાને કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીને તેમની શાળાની નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે એ માટે આ વર્ષે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે.