ગાંધીનગર: રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ સાંજે 4.20 વાગ્યે શપથ ગ્રહણ કરશે. ભાજપ તરફથી તમામ ધારાસભ્યોને આજે અથવા આવતી કાલે ગાંધીનગરમાં રાજભવનમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવા મુખ્ય પ્રધાનના પ્રધાનમંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, એમ પક્ષનાં આંતરિક સૂત્રોએ કહ્યું હતું. ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળમાં નવા જ સભ્યો હશે.
પટેલના પ્રધાનમંડળમાં ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા પ્રધાનો આ પ્રધાનમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ પ્રધાનમંડળમાં 22 કે 25 સભ્યો હોવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રૂપાણી સરકારના પાંચથી વધુ સિનિયર પ્રધાનોને નવી સરકારમાં જગ્યા નહીં અપાય. વિધાનસભા ચૂંટણી નજીકમાં હોવાથી જ્ઞાતિનાં સમીકરણોને ધ્યાનમાં રાખવા ઉપરાંત સરકારની છબિ સુધારવામાં મદદ કરી શકે અને પર્ફોમન્સ આપી શકે તેવા પ્રધાનોને પહેલી પસંદગી કરવામાં આવશે. નવા પ્રધાનમંડળમાં પાટીદારો ઉપરાંત ઓબીસી, આદિવાસી અને દલિતોનું પ્રમાણ પણ જળવાઈ રહે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે.
નવા પ્રધાનમંડળની પસંદગી બાબતે ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બંધબારણે બેઠક પણ મળી છે. આ મામલે તમામ નિર્ણયો દિલ્હીથી જ લેવામાં રહ્યા હોવાથી ધારાસભ્યોમાં પોતાનો નંબર લાગશે કે કેમ તેને લઈને ઉચાટ જોવા મળી રહ્યો છે. આ સિવાય નવી સરકારમાં ડેપ્યુટી સીએમ હશે કે નહીં તેને લઈને પણ કોઈ નક્કર માહિતી નથી મળી રહી.
નવી સરકારમાં પોતાનો શી ભૂમિકા હશે, એ વિશે કોઈ સ્પષ્ટતા ના હોવાથી ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નારાજ હોવાની ચર્ચા છે.
