ભાજપમાં ભાંજગડઃ શપથવિધિમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

ગાંધીનગરઃ ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. પક્ષમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું.  રાજ્યના નવા મુખ્ય ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ ભારે અસમંજતા વચ્ચે પ્રધાનમંડળનો શપથવિધિનો કાર્યક્મ આવતી કાલ પર ઠેલવામાં આવ્યો છે. જેથી શપથવિધિ 15 સપ્ટેમ્બરનાં બેનરો મૂકવામાં આવ્યાં હતાં, સ્ટેજ પણ તૈયાર થઈ ગયું હતું, પણ છેલ્લી ઘડીએ રાજ્યના CMOએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવા પ્રધાનમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16 સપ્ટેમ્બર, 2021એ યોજવામાં આવશે. આવતી કાલે 1.30 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવશે.ભાજપના 90 ટકા પ્રધાનોનાં પત્તાં કપાય અને પ્રધાનમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે, પણ રૂપાણી સરકારની અચાનક વિદાય પછી નવા પ્રધાનમંડળમાં તેમની સાથે કામ કરી ચૂકેલા કોઈ પ્રધાનને સ્થાન નહીં અપાય તેવી અટકળો વચ્ચે ભાજપમાં અંદરખાને બળવો શરૂ થયો છે. જે નિમિત્તે ગાંધીનગરમાં ભૂતપૂર્વ CM વિજય રૂપાણી સાથે ભૂતપૂર્વ પ્રધાનોએ  મુલાકાત કરીને પોતાનો ઊભરો ઠાલવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વયં વિજય રૂપાણી પણ જે રીતે તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું તેનાથી અંદરખાને નારાજ હતા, પરંતુ કલાકોની વાતચીત બાદ છેલ્લે મોવડીમંડળે તેમને મનાવી લીધા હતા.

બીજી બાજુ નીતિન પટેલ તો હજુ નારાજ હોવાની ચર્ચા છે. પ્રધાનોના શપથવિધિ સમારંભને મોકૂફ રાખવામાં આવતાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપના પાંચ સિનિયરો પ્રધાનો નારાજ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપમાં પ્રધાનોના સમર્થકો ઠેર-ઠેર પ્રદર્શનો કરી રહ્યા છે.  ભાજપના આંતરિક મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે. ભાજપમાં રાજકીય દંગલને શાંત કરવા માટે ખુદ પીએમ મોદી રાજ્યની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડા પ્રધાન ગુરુવારે કે પછી શુક્રવારે રાજ્યની મુલાકાતે આવે એવી શક્યતા છે અને પરિસ્થિતિ થાળે પાડે એવી ધારણા છે.  વડા પ્રધાનનો 17 સપ્ટેમ્બર શુક્રવારે જન્મદિન પણ છે.