અમદાવાદઃ રાજ્યના પવિત્ર ધામ અને 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે એટલો વિવાદ વધી ચૂક્યો છે કે એ વિવાદ હવે વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો પ્રસાદ બદલીને ચિક્કીનો પ્રસાદ કરવાનો વિરોધ દર્શાવ્યો હતો. બધા કોંગ્રેસી વિધાનસભ્યોએ વિધાનસભાની ગેલેરીમાં ફરી પ્રસાદમાં મોહનથાળ જ આપવાના મુદ્દે ટેકો આપ્યો હતો અને ચિક્કીના પ્રસાદનો વિરોધ કરતાં બેનર, પોસ્ટરને લઈને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
સોમનાથ અને તિરુપતિમાં સૂકા પ્રસાદના વિતરણ પછી હવે રાજ્યના અંબાજીમાં મોહનથાળને બદલે સૂકા પ્રસાદ ચિક્કીના વિતરણ પર ઘમસાણ થયું છે. પ્રસાદ વિતરણ મુદ્દે જ્યાં કોંગ્રેસ આક્મક છે તો હવે ભાજપની અંદરથી પણ આ મુદ્દે પ્રસાદમાં મોહનથાળ આપવા માટે ટેકો આપવા માંડ્યો છે.
ભાજપના ગુજરાતના મિડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે એક બ્રાહ્મણ તરીકે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ જારી રાખવો જોઈએ અને ચિક્કીનો ઉપયોગ નહીં કરવામાં આવવો જોઈએ. હવે VHP સહિત અન્ય હિન્દુ સંગઠનોએ આ મુદ્દે મંદિર વહીવટી તંત્રને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. કોંગ્રેસ વિધાનસભ્ય સત્રમાં આ વિષય પર 116 હેઠળ નોટિસ આપીને ચર્ચાની માગ કરી છે.
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વિવાદ વચ્ચે હવે ભાજપમાં પણ ભંગાણ થવાની શરૂઆત થઈ છે. અંબાજી ભાજપના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યાર બાદ હવે અંબાજી જિલ્લા ભાજપ મહિલા મોરચા સભ્યએ રાજીનામું આપ્યું છે. ભાજપ કારોબારી સભ્ય નીરુબહેન દવેએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ થવા પર તેને ફરીથી ચાલુ કરવાની માગ સાથે રાજીનામું ધરી દીધું છે.