ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના દર્દીઓમાં જીવલેણ મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના રોગ ઝડપથી પ્રસરતાં રાજ્ય સરકારે આ રોગને રોગચાળાના કાયદા હેઠળ રોગચાળો જાહેર કર્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે મહત્વની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ રાજ્યમાં મ્યુકોરમાઇરોસિસના રોગને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપિડેમિક ડિસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને રોગચાળો જાહેર કરવામાં આવેલો છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના 19 મેના સંદેશ પછી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુકોરમાઇકોસિસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આ રોગને રોગચાળો જાહેર કરતાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમ જ મેડિકલ કોલેજોએ આ રોગની તપાસ, નિદાન અને સંચાલન સંદર્ભે ICMRની આરોગ્ય અને કુટંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ ઉપરાંત બ્લેક ફંગસના બધા પુષ્ટ અને સંદિગ્ધ કેસ, આરોગ્ય મંત્રાલયને રિપોર્ટ કરવામાં આવશે.
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કુલ કેસો 650
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસનો આંકડો 650 પર પહોંચ્યો છે. જેમાં 450 સિવિલ હોસ્પિટલમાં, જ્યારે કે 200 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે જામનગરમાં 94 મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મ્યુકરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે આવ્યો છે. રાજકોટમાં 1000 બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 407 દર્દી છે, જ્યારે કે મ્યુકોરમાયકોસિસના 450 દર્દીઓ દાખલ છે.