રાજ્યમાં આવતી કાલથી વેપાર-ધંધાની છૂટઃ રાત્રિ-કરફ્યુ યથાવત્

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યા છે. જેથી રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ અને નિયંત્રણો રાખવામાં આવ્યાં છે, પરંતુ રૂપાણી સરકારે આવતી કાલથી વેપાર-ધંધાને છૂટ આપવા સહિત નિયંત્રણોમાં અન્ય છૂટછાટ આપી છે. રાજ્યમાં લારી-ગલ્લા સહિતની દુકાનો સવારે નવ કલાકથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે આ છૂટછાટ 27 મે સુધી આપવામાં આવી છે. એ પછી સરકાર 28 મેએ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણય લેશે.

રાજ્યમાં 21 મેથી 27 મે સુધી નિયંત્રણો ધરાવતાં 36 શહેરોમાં વેપાર-ધંધા સહિતની આર્થિક કામકાજ માટે સવારે નવ કલાકથી બપોરે ત્રણ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્ય પ્રધાને પીપાવાવમાં આ જાહેરાત કરી હતી. જોકે આ દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

રાજ્ય સરકારે જે આંશિક છૂટછાટ જાહેર કરી છે એ દરમ્યાન પણ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તો બંધ રહેશે.

રાજ્યનાં 36 શહેરોમાં જીવન-જરૂરિયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ હતા અને રાત્રે આઠ કલાકથી સવારે છ કલાક સુધી રાત્રિ-કરફ્યુ પણ લાગુ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. એને જોતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 7, 71,447 લોકો કોરોના સંક્રમિત થયા છે., જેમાંથી 6,69,490 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુઆંક 9340એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ  92,617 સક્રિય કેસ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]