કેરીના રસમાં ભેળસેળ? હવે આ ‘આમ’ વાત છે

અમદાવાદઃ મોટા ભાગના ગુજરાતીઓ સામાન્ય રીતે કેરીનો રસ ઘરે બનાવીને ખાવાનું વધુ પસંદ કરે છે, પણ અનેક ખાવાના શોખીનો બજારમાં મળતા તૈયાર રસનો આનંદ લેવાનું પણ ચૂકતા નથી. કેટલાક પરિવારો વરસાદ ના પડે ત્યાં સુધી કેરીનો વિવિધ રીતે આસ્વાદ લે છે. બજારમાં મળતા તૈયાર રસ ખરેખર તો આરોગ્યને નુકસાન પહોંચાડે છે, કેમ કે બજારની કેરીના તૈયાર રસમાં ખાંડની માત્રા વધુપડતી હોય છે, એવું બજારમાં મળતા જાણીતા બ્રાન્ડોના કેરીના રસનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સરેરાશ કેરીના રસમાં ખાંડનું પ્રમાણ વધુપડતું જણાયું હતું.
CERC દ્વારા બજારમાં મળતી ચાર બ્રાન્ડ્સની ફ્રોઝન કેરીનો મિલ્ક શેક, મેંગોનો પલ્પ અને કેસર કેરીનો પલ્પ અને આમરસનાં સેમ્પલ લીધાં હતા, જેમાં જણાયું હતું કે બજારમાં મળતા કેરીના રસમાં ખાંડનું પ્રમાણ વધુ હતું. એમાં એક પેકેટમાં દૂધ અને ખાંડનું મિશ્રણ હતું. અને બીજા ઘટકોનો ઉલ્લેખ જ નહોતો. એક પેકેટમાં 100 ગ્રામદીઠ 22 ગ્રામ સુગરનું પ્રમાણ હતું, જ્યારે બીજા પેકેટમાં 22.7 ગ્રામ હતું.જે આરોગ્યની દ્રષ્ટિએ જોખમી સ્તરે હતું. ICMR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓઉ ન્યુટ્રિશને ભલામણ કરી છે બેઠાડુ જીવનશૈલી ધરાવતી વ્યક્તિ માટે દૈનિક ધોરણે 20 ગ્રામ ખાંડનું સેવન હોવું જોઈએ, જ્યારે મધ્યમ જીવનશૈલીવાળી વ્યક્તિ માટે એ 30 ગ્રામ હોવું જોઈએ, પણ કેરીના રસમાં એ 100થી 150 ગ્રામ તમારા દિવસના ક્વોટા જેટલું હતું.

આ સાથે CERCએ કૃત્રિમ રીતે પાકેલી કેરીઓ વિશે પણ ચેતવણી આપી હતી. કેરી પકવવા માટે  કેલ્શિયમ કાર્બાઇડ જેવા કેમિકલથી માથાને દુખાવો, ચક્કર આવવા, યાદશક્તિમાં ઘટાડો અને બ્લડપ્રેશરનું કારણ બની શકે છે. CERCના ચીફ જનરલ આનંદિતા મહેતા કહે છે કે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ આ વિશે વિશેષ કાળજી લેવી જોઈએ.