ક્રિકેટર ભુવનેશ્વર કુમારના પિતાનું નિધન થયું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના તેજ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું નિધન થયું છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહે મેરઠસ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કિરણ પાલ સિંહ છેલ્લા આઠ મહિનાથી લિવરના કેન્સરથી પીડિત હતા. કિરણ પાલ સિંહની ઉંમરે 63 વર્ષના હતા.  

કિરણ પાલ સિંહના પરિવારમાં ઇન્દ્રેશ દેવી, પુત્ર ભુવનેશ્વર અને પુત્રી રેખા પણ સામેલ છે. અહેવાલ મુજબ ભુવનેશ્વર કુમારને ગયા વર્ષે તેના પિતાની બીમારી વિશે માલૂમ પડ્યું હતું, એ વખતે ભુવી યુએઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદની તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો હતો.

પિતાની બીમારી માલૂમ પડતાં ભુવનેશ્વર કુમાર આઇપીએલની 13મી સીઝન વચ્ચે છોડીને ઇન્ડિયા આવી ગયો હતો. કિરણ પાલની સારવાર ચાલી રહી હતી. જોકે બે સપ્તાહ પહેલાં તેમની તબિયત બગડતાં તેમને મેરઠમાં એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કિરણ પાલ સિંહને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પણ બે દિવસ પછી તેમનું નિધન થયું હતું.  

હાલમાં બે ક્રિકેટર્સે તેમના પિતા ગુમાવ્યા હતા. કોરોના વાઇરસના રોગચાળાને કારણે રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાંજીભાઈ સાકરિયાનું નિધન થયું હતું. આ સિવાય પીયૂષ ચાવલાએ પણ તેના પિતાને ગયા સપ્તાહે કોરોનાને કારણે ગુમાવ્યા હતા.

ભુવનેશ્વર કુમારની ઇન્ગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે પસંદગી નહોતી કરવામાં આવી, પરંતુ શ્રીલંકાની સામે જુલાઈમાં લિમિટેડ ઓવર સિરીઝમાં તક મળે એવી શક્યતા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]