બોટ દુર્ઘટનામાં SITની રચના: એકમેક સામે દોષારોપણ

વડોદરાઃ વડોદરા હરણી લેકની બોટ દુર્ઘટનામાં ચલક ચલાણું પેલે ઘેર ભાણાની ખો અપાઈ છે. આ કેસમાં માતાપિતા સ્કૂલ સંચાલકો સામે અને સંચાલકો કોન્ટ્રેક્ટરોને દોષારોપણ કરી રહ્યા છે. બીજી બાજુ,  હાઇકોર્ટે વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે.

શહેરના હરણી તળાવમાં પલટી ખાતાં બે શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ત્રણ ડીસીપી, એક ACP, બે પીઆઈ તથા એક પીએસઆઈનો સમાવેશ થયો છે. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને SITને સોંપવામાં આવી છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 18 વ્યક્તિઓ સામ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અટકાયતની પણ કામગીરી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા આદેશ બાદ પોલીસ આ બાબતે સક્રિય થઈ છે. નાના ભૂલકાંના મોત બાદ રાજ્યભરમાં આક્રોશ છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અનેક બાળકોનાં મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીને કારણે બની છે. વડોદરા બોટ દુર્ઘટનામાં પોલીસે ગંભીર બેદરકારી દાખવી કરી છે. પોલીસની FIRમાં આરોપી બિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું સરનામું જ પોલીસ પાસે નથી અને  એક તો હયાત પણ નથી.