વડોદરામાં ત્રણ દાયકા પહેલાં આવી જ એક દુર્ઘટના થઈ હતી,જાણો એના વિશે..

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં શિક્ષકો અને બાળકોનું ડૂબી જવાથી મૃત્યું થયું છે. આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ થનારા બાળકોને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. ત્યારે આજે 30 વર્ષ પહેલા બનેલી આવી જ ગોઝારી ઘટના યાદ આવે છે.

જન્માષ્ટમીના દિવસે શરૂ થઈ હતી બોટ સવારી

1993માં જન્માષ્ટમીનો એ દિવસ હતો સૂરસાગર તળાવમાં પહેલીવાર બોટ શરૂ થઈ હતી. વડોદરાવાસીઓ માટે આ એક નવું નજરાણું હતું. એ સમયે 20 વ્યક્તિની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં બેસીને આનંદ કરતા લોકોને એ જરાય ખ્યાલ ન હતો કે થોડીક ક્ષણોમાં એમનો જીવ જવાનો છે. વધારે વ્યક્તિનો બોજ બોટ સહન ન કરી શકી અને સુરસાગરમાં પલટી ગઈ. એ દિવસે 17 પરિવારના 22 લોકોના મૃત્યુ થયાં હતા. એ સમય ત્રણ દાયકા પછી ફરી જાણે નજર સમક્ષ આવીનો ઉભો રહ્યો.

બેદરકારીએ લીધા જીવ

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીસ વર્ષ પહેલા બનેલી ઘટનાથી વડોદરા કોર્પોરેશને કોઈ પાઠ શીખ્યા નથી. કદાચ એના કારણે જ આજે 13 બાળકો અને બે શીક્ષકોએ જીવ ગુમાવવો પડ્યો. બંને ઘટનામાં બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવાના કારણે અને લાઈફ જેકેટની વ્યવસ્થા ન કરવાની બેદરકારી લોકોના જીવ લીધા.

વર્ષો પછી મળ્યો ન્યાય

સુત્રોના જણાવ્યા પ્રમાણે સૂરસાગર તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારે એ બોટનું સંચાલન રિપલ એક્વા સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવતું હતું. વીએમસી(વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન)એ 1992માં જ એ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ઓપરેટરે તળાવમાં આ ફેસિલિટીનો ઉપયોગ કરનારા માટે ઇન્શ્યોરન્સ પણ લીધો હતો. પરંતુ દુર્ઘટના બની ત્યારે વીમા કંપનીએ વીમો મંજૂર કરવાની મનાઈ કરી હતી. કારણ કે એ સમયે વધુમાં વધુ 20 લોકોને જ પોલિસીમાં કવર કરવામાં આવ્યા હતા. એ સમયે સમગ્ર ઘટનાની જવાબદારી લેવાના બદલે વીએમસી અને બોટ ઓપરેટરે હાથ ઉંચા કરી દીધા. જેના કારણે આખો મામલો પહેલા કન્ઝ્યુમર કોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટના દ્ધારે પહોંચ્યો હતો. આખરે ઘટનાના વર્ષો પછી 2014માં સુરસાગર તળાવની દુર્ઘટનાનો ઉંચા વળતરનો ચુકાદો આવ્યો. એ સમયે બોટની ક્ષમતા 20 લોકોની હતી જેમાં લગભગ 38 લોકો સવાર થયા હતા. બોટ પલટી જતા એ સમયે 22 લોકોનું જૂબી જવાથી મોત થયું હતું. વર્ષો સુધી લડત આપ્યા પછી વળતળના કેસમાં જીત થઈ હતી.17 વર્ષની લડત બાદ મૃતકના પરિવારજનોને વ્યાજ સાથે રૂપિયા 1.39 કરોડ ચૂકવવાનો હુકમ પાલિકાને કરાયો હતો. જે પછી વડોદરા.મ્યુ કોર્પોરેશનને વળતળ પેટેની રકમ ચૂકવી હતી. આ વખતે પણ બોટ ઓપરેટર તરફથી ગંભીર બેદરકારી થઈ છે.

ન્યાય ક્યારે મળશે..?

આ વખતે હરણી તળાવમાં પિકનિક પર ગયેલા માસુમ બાળકો બોટિંગનો આનંદ લઈ રહ્યાં હતા ત્યારે જ વધારે વજનના કારણે અચાનક બોટ પલટી ગઈ. આ બોટમાં કુલ 32 બાળકો અને 4 શિક્ષકો હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકના મૃત્યુ થયા છે. જેમાં 13 માસુમ બાળકો સહિત બે શિક્ષકો છે. હવે જોવુ એ રહ્યું કે આ વખતે તંત્ર ન્યાય કરશે કે પછી માસુમ બાળકોના સ્વજનને પણ વર્ષો સુધી ઈન્સાફ મળેવવા હવાતીયા મારવા પડશે.