અમરેલીઃ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે ત્રણ કલાક આસપાસ બન્યો હતો. ટ્રકચાલકે કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એ ઝૂંપડામાં ઘૂસી ગયો હતો. એ પછી એ ટ્રક આઠ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો, જેમાં રસ્તાની બાજુમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ફરી વળતાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને તેમના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ…— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ ઘટનામાં પૂજાબહેન હેમરાજભાઈ સોલંકી (૮), લક્ષ્મીબહેન હેમરાજભાઈ સોલંકી (૩૦), શુકનબહેન હેમરાજભાઈ સોલંકી (૧૩), હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (૩૭), નરશીભાઈ વસનભાઇ સાંખલા (૬૦), નવઘણભાઈ વસનભાઈ (૬૫), વિરમભાઈ છગનભાઈ રાઠોડ (૩૫) અને લાલાભાઈ ડાયાભાઇ રાઠોડ (૨૦)નાં મોત થયાં છે, એમ પોલીસે કહ્યું હતું.