સાયન્સ સિટી દ્વારા ‘હિરોશિમા ડે’એ લાઇવ ટોકનું આયોજન

અમદાવાદઃ બીજા વિશ્વયુદ્ધમાં 1945માં છઠ્ઠી ઓગષ્ટે અણુબોમ્બ જાપાનમાં હિરોશિમા પર ફેંકવામાં આવ્યા હતા. આ અણુહુમલાનાં 76 વર્ષ પૂરાં થયાં. સાયન્સ સિટી દ્વારા ‘હિરોશિમા ડે’ અંતર્ગત ગુજરાત લાઇવ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચના સાયન્ટિફિક ઓફિસર મિસ છાયા ચાવડા દ્વારા આ સેશનમાં માહિતી આપવામાં આવી હતી. મિસ ચાવડાએ બોમ્બ પાછળના વિજ્ઞાન વિશે જણાવ્યું હતું. આ સેશનમાં તેમણે એટોમિક બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, સોલટેડ બોમ્બ અને મેગ્નેટિક હથિયારો સહિત વિવિધ પ્રકારનાં ન્યુક્લિયર હથિયારો વિશે માહિતી આપી હતી.

મિસ ચાવડાએ હિરોશિમામાં અણુબોમ્બની દુર્ઘટનાના ફોટા દ્વારા અણુબોમ્બની ભયાનક અસરો વિશે સમજ આપી. તેમણે જણાવ્યું હતું કે આ અણુહુમલો એટલો ભયાનક હતો કે અણુબોમ્બ પડતાંની સાથે જ 70,000 લોકો એ જ ક્ષણે મૃત્યુ પામ્યા અને 90 ટકા શહેર ખતમ થઈ ગયું. અને ત્યાર બાદ 10,000 જેટલા લોકો અણુબોમ્બના રેડિયેશનથી મૃત્યુ પામ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આ ભયાનક તબાહીનો ભોગ બનેલું જાપાન શાંતિનું મહત્ત્વ સમજાવવા  ‘હિરોશિમા ડે’ને ‘પીસ ડે’ તરીકે ઊજવે છે.