રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળઃ સરકાર ટસની મસ નહીં

અમદાવાદઃ રાજ્યમાં રેસિડેન્ટ ડોકટર તેમની વિવિધ માગને લઈને હડતાળ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ ડોક્ટરોની સામે સહેજ પણ ટસની મસ થતી નથી. સરકારે ડોક્ટરોને કહ્યું છે કે તેમની માગ ગેરવાજબી છે, જેથી તેઓ જલદીમાં જલદી તેમની ડ્યુટી પર ચઢી જાય. બીજી બાજુ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જલદી સારવાર નથી મળી રહી. દર્દીઓએ વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડોક્ટરો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.

બોન્ડ મુદ્દે હડતાળ પર ઊતરેલા રેસિડેન્ટ ડોક્ટોરની હડતાળ દિવસ ને દિવસે વધુ ઉગ્ર બની રહી છે, ત્યારે સામે પક્ષે  સરકાર પણ પોતાની વાત પર અડગ હોઈ માગણીઓ સ્વીકારવા તૈયાર નથી.   ડોક્ટરો પણ લડી લેવાના મૂડમાં છે. ડોક્ટરોએ ધરણાં કરી સરકારનો વિરોધ કર્યો હતો અને જો સરકાર માગ નહીં સ્વીકારે તો કોરોના વોરિયર્સ તરીકે અપાયેલા સન્માન પત્રો પછા આપી દેવાની ચીમકી આપી હતી.

રેસિડેન્ટ ડોક્ટરો સાથે જુનિયર રેસિન્ડટ-ઇન્ટર્ન ડોક્ટરો પણ હડતાળમાં જોડાઈ ગયા છે અને મેડિકલ એસોસિયેશને પણ રેસિડેન્ટ ડોક્ટરોના સમર્થનમાં સરકારને રજૂઆત કરી છે. છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઊતરેલા રેસિડેન્ટ ડોક્ટરોએ આજે પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સિવિલ કેમ્પસમાં બી. જે. કોલેજમાં ધરણાં કર્યાં હતાં જુનિયર-સિનિયર સહિતના તમામ સરકારી કોલેજોના ૧૫૦૦થી વધુ રેસિડેન્ટ હડતાળ પર ઊતરી જતાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. હાલ સરકાર અને ડોક્ટરો વચ્ચેની લડાઈમાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.

રાજયભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને  પગલે આરોગ્યપ્રધાન નીતિન પટેલે  ડોક્ટરોને હડતાળ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ડોક્ટરો નિયત સ્થળે હાજર થાય. સરકાર તેમની સાથે વાત કરવા તૈયાર છે.