દોહાનું હમાદ એરપોર્ટ દુનિયાનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત

દોહાઃ કતર દેશની રાજધાની દોહાના હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને દુનિયાનું બેસ્ટ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. તેને આ પ્રતિષ્ઠિત ટાઈટલ આપવામાં આવ્યું છે સ્કાઈટ્રેક્સ દ્વારા. વર્ષ 2021 માટેના સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં બેસ્ટ એરપોર્ટ તરીકે હમાદ એરપોર્ટે સિંગાપોરના ચાંગી એરપોર્ટને પાછળ  પાડી દીધું છે. હમાદ એરપોર્ટે આ ઉપરાંત બીજા ત્રણ એવોર્ડ પણ જીત્યા છે – ‘બેસ્ટ એરપોર્ટ ઈન ધ મિડલ ઈસ્ટ’, ‘બેસ્ટ એરપોર્ટ સ્ટાફ ઈન ધ મિડલ ઈસ્ટ’ અને ‘કોવિડ-19 એરપોર્ટ એક્સિલન્સ’. ચાંગી એરપોર્ટ દસ વર્ષ સુધી પહેલા નંબર પર રહ્યું હતું. આ વખતે તેણે આ સ્થાન હમાદ એરપોર્ટ સામે ગુમાવી દીધું છે. ગયા વર્ષે હમાદ ત્રીજા સ્થાને હતું અને આ વખતે પહેલા સ્થાને, જ્યારે ચાંગી એરપોર્ટ ગયા વર્ષે પહેલા નંબર પર હતું અને આ વખતે ત્રીજે. હમાદ એરપોર્ટે 2014માં પેસેન્જર સેવાઓની શરૂઆત કરી હતી અને ખૂબ ઝડપથી પહેલા નંબરે પહોંચી ગયું છે. કતરની સરકારે આ એરપોર્ટ તેમજ કતર એરવેઝ, બંનેની કામગીરીને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. ટોપ-10 એરપોર્ટમાં જાપાનના ત્રણ એરપોર્ટ છે – જેમાં બે ટોક્યો શહેરના એરપોર્ટ છે.

વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટઃ ટોપ-10

હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ (દોહા, કતર)

ટોક્યો હાનેદા એરપોર્ટ (ટોક્યો, જાપાન)

સિંગાપોર ચાંગી એરપોર્ટ (સિંગાપોર)

ઈન્ચીયોન ઈન્ટરનેશનલ એરપોર્ટ (સોલ, દક્ષિણ કોરિયા)

ટોક્યો નારિતા એરપોર્ટ (ટોક્યો, જાપાન)

મ્યુનિક એરપોર્ટ (મ્યુનિક, જર્મની)

ઝૂરિક એરપોર્ટ (ઝૂરિક, સ્વિટ્ઝરલેન્ડ)

લંડન હીથ્રો એરપોર્ટ (લંડન, બ્રિટન)

કાન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (કાન્સાઈ, જાપાન)

હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ (હોંગકોંગ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]